મોદીની ભાઈચારાની અપીલ, ભારતમાં કોરોના ફેલાવવા માટે સોશિયલ મીડિયાના અહેવાલથી ખાડી દેશો નારાજ

મુખ્ય સમાચાર રાજકીય

કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે, તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ થયા છે. મીડીયાના આ અહેવાલોને કારણે ભારત અને ખાડીના મુસ્લિમો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા ઉભી થઈ છે. સઉદી સહિતના દેશોના દબાણ પછી ખાડી દેશો સાથે સંબધો વધુ બગડે નહીં તે માટે મોદીને અંતે એકતા અને ભાઇચારાની ટ્વિટ કરવાની ફરજ પડી છે.

મોદીએ ટ્વીટર પર લોકોને અપીલ કરી

મોદીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ હુમલો કરતા પહેલા જાતિ, ધર્મ, રંગ, ભાષા કે સરહદ જોતો નથી. તેથી આપણે આ મહામારીનો સામનો કરવા એક થઈને લડવું પડશે. જો કે કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ આ અપીલ કરવામાં ઘણું મોડું કરી દીધું છે. સૂત્રોનં માનવું છે કે, મોદીએ વધુ સ્પષ્ટતા સાથે કહેવાની જરૂર હતી કે, કોરોના વાઇરસના પ્રસાર માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. મુસ્લિમ વેપારીઓનો બહિષ્કાર કરવો દેશ વિરોધી પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિથી દેશ શરમજનક સ્થિતિમાં મુકાશે અને લઘુમતી સમુદાયને સંબોધીને જણાવવાની જરૂર હતી કે, સમગ્ર દેશ તેમની સાથે છે.

ભાજપના સાંસદ પણ વિવાદમાં આવ્યા

અરબની મહિલાઓ અંગે ૨૦૧૫માં તારિક ફતેહે કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ટ્વિટર પર ટિપ્પણી કરવા બદલ બેંગાલુરુના ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા વિવાદમાં ઘેરાઈ ગયા છે. વિવાદ થતાં તેજસ્વી સૂર્યાએ આ ટ્વિટ આ ડિલીટ કરી નાખી છે, પણ આ ટ્વિટનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

પાકિસ્તાની લેખકનો દાવો

૨૩ માર્ચ, ૨૦૧૫ના રોજ કેનેડા મૂળના પાકિસ્તાની લેખક તારિક ફતેહે એક ઈન્ટરવ્યુમાં અરબ મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના આધારે ૨૯ વર્ષીય સૂર્યાએ ટ્વિટર પર લખ્યું હતું કે, અરબની મહિલાઓએ છેલ્લા અનેક વર્ષોથી કામોત્તેજનાની ચરમ સિમાનો અનુભવ કર્યો નથી. દરેક માતાએ પ્રેમને બદલે સેક્સથી બાળકો પેદા કર્યા છે.

અરબ દેશો વિશે ટિપ્પણી

અહીં ઉલ્લેખનીય છે કે, તારિક ફતેહને માર્ચ, ૨૦૧૫માં એક ઇન્ટરવ્યુમાં અરબ દેશોમાં લોકશાહી અંગે એક પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્રના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અરબની મહિલાઓએ છેલ્લા અનેક વર્ષોથી કામોત્તેજનાની ચરમ સિમાનો અનુભવ કર્યો નથી. દરેક માતાએ પ્રેમને બદલે સેક્સથી બાળકો પેદા કર્યા છે. મહિલાઓના ગુપ્તાંગોને હજારો વર્ષોથી કાપવામાં આવી રહ્યાં છે. તમે એક જ પ્રકારના લોકો સાથે કેવા સમાજની રચના કરી રહ્યાં છો. આ ઇન્ટરવ્યુમાં સઉદી અરેબિયાને વિશ્વ માટે ખતરો ગણાવવામાં આવ્યો હતો.

ભાજપ સાંસદની ટિપ્પણીથી શરમજનક

કોંગ્રેસના પ્રવક્તા સંજય ઝાએ સૂર્યાની ટીકા કરતાં જણાવ્યું છે કે, ભાજપ સાંસદની ટિપ્પણીથી ભારત શરમજનક અને અપમાનજનક સ્થિતિમાં મૂકાયું છે. અરબ દેશોના બુદ્ધિશાળા લોકોએ પણ તેજસ્વી સૂર્યાની ટીકા કરી છે. કુવૈતના એક બુદ્ધિશાળી અબ્દુર રહેમાન નસ્સારે વડાપ્રધાન મોદીને ટેગ કરીને માગ કરી છે કે, તેજસ્વી સૂર્યાનું સાંસદ પદ રદ કરવામાં આવે. કુવૈતના માનવાધિકાર વકીલે પણ વડાપ્રધાન મોદીને ટેગ કરી બેંગાલુરુના સાંસદ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની માગ કરી છે.