કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર બહુ મોટી અસર પડી છે અને રાહુલ ગાંધી સતત આ મુદ્દા ઉપર સરકારને ઘેરી રહ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા પર સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ જણાવ્યો હતો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, લાખો કરોડો રૂપિયાની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સેન્ટ્રલ વિસ્ટા બ્યુટીફિકેશન પ્રોજેક્ટને રદ કરવાના બદલે કોરોના સામે લડી રહેલા અને જનતાની સેવા કરનારા કેન્દ્રીય કર્મચારીઓના, પેન્શનરો અને દેશના જવાનોના મોંઘવારી ભથ્થાને કાપવાનો સરકારનો નિર્ણય અસંવેદનશીલ તથા અમાનવીય નિર્ણય છે.
કેન્દ્ર સરકાર દ્વારા જે કાપ મુકવામાં આવ્યો છે તેનાથી સરકારને સવા લાખ કરોડ રૂપિયાની બચત થશે. કોરોના વાયરસના સંક્રમણથી પેદા થયેલા સંકટની વચ્ચે સરકારનું આ પગલું મહત્વનું કહેવામાં આવી રહ્યું છે.
ગત મહિને મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનરોને ભેટ આપતાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો પરંતુ કોરોનાના સંકટને કારણે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

