કોરોના વાઈરસના સંક્રમણના પ્રસારથી પેદા થયેલી સ્થિતિ અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઈ સહિત મોટા શહેરો અને હોટસ્પોટ વિસ્તારોમાં અતિગંભીર બની રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આ શહેરોમાં લૉકડાઉનનો વ્યાપકપણે ભંગ થઈ રહ્યો છે. આ જ કારણે અહીં સ્થિતિ ચિંતાજનક બની શકે છે. દરમિયાન દેશમાં શુક્રવારે કોરોનાના કેસની સંખ્યામાં એક દિવસમાં ૧૭૫૦થી વધુનો વધારો થયો હતો, જે એક જ દિવસમાં સૌથી મોટો વધારો છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૩,૫૦૦થી વધુ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૮ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૬૫૦થી વધુ થયો છે જ્યારે ૨૮૦૦ લોકો સાજા થયા છે.
ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં લૉકડાઉનના ભંગના કિસ્સા સામે આવવા સ્વાસ્થ્ય માટે એક ગંભીર જોખમ છે અને તેના કારણે કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાઈ શકે છે. ગૃહમંત્રાલયે ઉમેર્યું હતું કે ‘મોટા હોટસ્પોટ જિલ્લા અથવા ઊભરતા હોટસ્પોટ શહેરો જેમ કે અમદાવાદ, સુરત, થાણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં સ્થિતિ અતિ ગંભીર છે.’ કોરોનાવાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રને હોટસ્પોટ વિસ્તાર કહેવાય છે. આ સ્થિતિની ગંભીરતાને પગલે ગૃહમંત્રાલયે જમીની સ્તરે સ્થિતિનું આકલન કરવા માટે ગુજરાત, તેલંગાણા અને તમિલનાડુમાં વિશેષ ટીમો મોકલી છે. અગાઉ કેન્દ્ર સરકારે મુંબઈ, પૂણે, જયપુર, કોલકાતા અને ઈન્દોરમાં સમિક્ષા માટે પાંચ ટીમો મોકલી હતી.
દેશમાં કોરોનાવાઈરસના કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી હોવા છતાં સરકારે જણાવ્યું હતું કે કોરોના મહામારી દેશમાં નિયંત્રણ હેઠળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયસર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનું પગલું લીધું હતું. જો લૉકડાઉન ન કરાયું હોત તો દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ હોત. દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સરકારે સર્વેલન્સ નેટવર્ક અને કોરોના અટકાવવા માટે લેવાયેલા વિવિધ પગલાંઓ મહત્વપૂર્ણ હોવાનું સરકારે કહ્યું હતું.
બીજીબાજુ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯નો સામનો કરી સાજા થનારા લોકોની સંખ્યા ૫,૦૦૦ને પાર થઈ ગઈ છે. આ સાથે જ આપણો રીકવરી રેટ ૨૦.૫ ટકા થઈ ગયો છે. આપણા માટે આ એક સકારાત્મક સમાચાર છે. એ જ રીતે છેલ્લા ૨૮ દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હોય તેવા જિલ્લાઓની સંખ્યા વધી રહી છે. આવા જિલ્લાઓની સંખ્યા હવે ૧૫ થઈ ગઈ છે. નવા જિલ્લાઓમાં છત્તીસગઢના દુર્ગ અને રાજનંદગાંવ તથા મધ્યપ્રદેશના શિવપુરનો સમાવેશ થાય છે. ઉપરાંત દેશમાં ૮૦ જિલ્લા એવા છે, જ્યાં અગાઉ કોરોનાના કેસ નોંધાયા હતા, પરંતુ છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી. જોકે, તામિલનાડુમાં કોરોનાના કેસો વધવાના પગલે રાજ્ય સરકારે શુક્રવારે ચેન્નાઈ, કોઈમ્બતૂર, મદુરાઈ અને અન્ય કેટલાક સ્થળો પર રવિવારથી સંપૂર્ણ શટડાઉનની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડતમાં દેશ ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. અને કોરોના પર નિયંત્રણ મેળવવામાં સરકાર સફળ રહી છે.
કેટલાક મેડિકલ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દેશમાં લૉકડાઉન સહિતના નિયંત્રણોના કારણે અમેરિકા અથવા યુરોપ જેવી સ્થિતિને ટાળી શકાઈ છે પરંતુ તેમણે વર્તમાન રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન પૂરું થયા પછી દેશે મોટા પડકારોનો સામનો કરવો પડશે તેવી ચેતવણી આપી હતી. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં એક્ટિવ કોવિડ-૧૯ કેસની સંખ્યા ૧૭,૯૧૫ છે જ્યારે ૫,૧૭૦ લોકો સાજા થયા છે. આમ દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર ૨૦.૫૨ થયો છે.