સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેપી ડ્યુમીનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ઘણી જ શાનદાર રહી છે. પોર્ટ એલિજાબેથમાં જન્મેલા જેપી ડ્યુમીનીને શ્રીલંકા સામેની પહેલી ત્રણ વન-ડે ટીમમાં સમાવેશ કર્યો ન હતો. પરંતુ તેનો અંતિમ બંને વન-ડે માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
34 વર્ષના જેપી ડ્યુમીનીએ 30 મેના રોજ ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ પહેલા પોતાની નિવૃતી અંગે જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપ બાદ તે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહેશે. ડ્યુમિનીએ વર્ષ 2008માં શ્રીલંકા સામે પોતાની વન-ડે કારકિર્દી શરૂ કરી હતી. ત્યારથી તેણે અત્યાર સુધી કુલ 193 વન-ડે રમી ચુક્યો છે.
જેપી ડ્યુમીની પાસે અત્યાર સુધી બે વન-ડે વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ રહ્યો છે. ભારતમાં રમાયેલ 2011નો વર્લ્ડ કપ અને 2015માં રમાયેલ વર્લ્ડ કપમાં તે આફ્રિકાની ટીમ તરફથી રમી ચુક્યો છે. આમ 2019માં ઇંગ્લેન્ડમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપ તેની કારકિર્દીનો ત્રીજો અને અંતિમ વર્લ્ડ કપ રહેશે.

