પગરખા ઉતારી મોજા સૂંઘવાની આદત, ગંભીર બીમારીનું કારણ બની શકે છે

આરોગ્ય
ચીનના ફુજિયનમાં એક શખ્સ સાથે હેરાન કરી નાખવા વાળી ઘટના બની હતી. એક ખરાબ આદતે તેને હોસ્પિટલ ભેગો કર્યો હતો. આ શખ્સને પગરખા ઉતારીને મોજા સૂંઘવાની ખરાબ આદત હતી, જેના કારણે તેના ફેફસામાં ગંભીર સંક્રમણ ફેલાઇ ગયું હતું.
તબિયત લથડતા તે હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં ફેફસામાં સંક્રમણ ફેલાવાનું કારણ સાંભળી તેના હોંશ ઉડી ગયા હતા. તેના મેડિકલ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે, ફેફસામાં સંક્રમણ મોજા સૂંઘવાથી અને મોડી રાત સુધી ઉજાગરા કરવાથી થયું હતું. શખ્સ તેના બાળકોની દેખરેખ માટે મોડી રાત સુધી જાગતો હતો. આ પહેલા પણ તેને સામાન્ય સ્તરે ફેફસાનું સંક્રમણ હતું, પરંતુ ગંદા મોજા સૂંઘવાના કારણે સંક્રમણ ફેલાઇ ગયું હતું. એક્સ-રેમાં આ વાતના ખુલાસા પછી તેની સારવાર કરવામાં આવી રહી છે.
નિષ્ણાંતો મુજબ, જો તમને પણ વધારે પરસેવો થતો હોય, તો થોડા સાવધાન રહેવું યોગ્ય રહેશે. કારણ કે પરસેવાથી ઘણી બીમારીઓ ફેલાય છે. પગરખા પહેરવાથી પગમાં પરસેવો થાય છે જેના કારણે મોજામાં દુર્ગંધ આવે છે.
આ મામલા પછી લોકોમાં ચિંતા ફેલાઇ હતી કે, મોજાની દુર્ગંધથી ફેફસામાં સંક્રમણ પણ થઇ શકે છે.