શરીરની કુદરતી ગંધ સરખી હોય એવી વ્યક્તિ વચ્ચે વધુ આકર્ષણ રહે છે : અભ્યાસ

આરોગ્ય

એવી કહેવત છે કે જોડી તો સ્વર્ગમાં રચાય છે. પરંતુ ખરેખર તો જોડી શરીરની સરખી ગંધથી રચાતી હોય છે ! સ્કોટલેન્ડના યુગલોએ તેમના શરીરની કુદરતી ગંધ અને ફ્રેગ્રન્સ્ડ ડિઓડરન્ટ સાથેની ગંધના નમૂના આપ્યા હતા. એ બાદ અભ્યાસમાં ભાગ લેનારાઓને સરખી ગંધ વાળી જોડીને નંબર આપવા કહેવામાં આવ્યું હતું. સંશોધકોએ એ અભ્યાસ પરથી શોધી કાઢયું હતું કે લોકો પોતાની જેવી જ ગંધવાળા લોકોને આકર્ષે છે, પરંતુ કેટલાક કિસ્સામાં ગર્ભનિરોધકો આ ધારણાને ફેરવી નાંખતા પણ જોવા મળ્યા હતા. જો કે ડિઓડરન્ટનો ભલે ઉપયોગ કરાયો હોય છતાં સાથીની પસંદગીમાં તેની કોઈ ભૂમિકા રહેતી નથી, એ ભૂમિકા તો ફક્ત શરીરની કુદરતી ગંધ જ ભજવતી જોવા મળી હતી.

અભ્યાસ કઈ રીતે થયો ?

  • આ યુગલોએ સતત બે દિવસ સુધી શરીરની ગંધના નમૂના આપ્યા હતા. એક વખત ફ્રેગરન્ટનો ઉપયોગ કરવા ઉપર કોઈ પ્રતિબંધ મુકાયો ન હતો, જ્યારે બીજી વખત નમૂના લેવાયા ત્યારે તેમને ડિઓડરન્ટ કે કોઇ બીજા ઉત્પાદનોનો ઉપયોગ કરવા દેવાયો ન હતો અને તેમની શરીરની કુદરતી ગંધના જ નમૂના લેવાયા હતા.
  • એ બાદ અભ્યાસમાં ભાગ લેનારાઓને તેમની જોડીની ગંધના નમૂનાની ગંધ લેવા કહેવાયું હતું અને તે એકબીજાની ગંધથી કેટલા સરખા છે, તે પૂછવામાં આવ્યું હતું.

શું તારણ નીકળ્યું ?

  • સાચા સાથીઓની શરીરની કુદરતી ગંધ લગભગ સરખી હતી, જે અલગ અલગ યુગલની લેવાયેલી ગંધ થોડી અલગ જોવા મળી હતી.
  • અલગ અલગ શરીરની ગંધવાળાઓ કરતાં સરખી ગંધવાળાઓ વચ્ચે આકર્ષણ વધુ હતું.
  • ફ્રેગરન્ટવાળા ગંધના નમૂનામાં એવું જોવા મળ્યું ન હતું.

કેટલાક પ્રતિબંધ પણ ફરમાવાયા !

  • ભાગ લેનારાઓને કસરત નહીં કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત કડક ગંધ આવે એવો આહાર લેવા તથા એક બેડ પર સૂવા માટે પણ ના કહેવામાં આવ્યું હતું.
  • ભાગ લેનારાઓમાંથી અડધા એવા હતા કે જેઓ હોર્મોનલ ગર્ભનિરોધકનો ઉપયોગ કરતા હતા.

શરીરની ગંધ અંગે આપણે શું જાણીએ છીએ ?

  • માનવી સહિત તમામ પ્રાણીઓના શરીરની એક વિશેષ ગંધ હોય છે.
  • આપણી ગંધ મહદંશે જનીન દ્વારા સંચાલિત હોય છે, પરંતુ રોગ કે સાઇકોલોજિકલ સ્થિતિની તેના પર અસર થાય છે.
  • ગરમ હવામાન, કસરત અને દવા આપણે જે રીતે ગંધ લઈએ તેને બદલી શકે છે.