વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં શિયાળો હજુ ચાલુ રહેશે એવી આગાહી કરનારા ગુજરાત વેધર ડિપાર્ટમેન્ટને જાણે કે ખોટું પાડવું હોય એ રીતે ગઈ કાલે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટબન્ર્સ ક્લિયર થઈ જતાં ગુજરાતમાં ગરમી વધવી શરૂ થઈ ગઈ હતી. ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આવતા અડતાલીસ કલાકમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઈ જશે અને ગુજરાતનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી જશે.
ગઈ કાલે ગુજરાતનું સૌથી ગરમ શહેર રાજકોટ રહ્યું હતું. રાજકોટનું મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ડીસામાં ૩૮.૧ ડિગ્રી, ભૂજમાં ૩૭.૯ ડિગ્રી, અમદાવાદમાં ૩૭.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૪ ડિગ્રી, અમરેલીમાં ૩૭.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭.૧ ડિગ્રી અને વડોદરામાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

