દેશના 20 ટકા ગરીબ પરિવારોને વર્ષે 72 હજાર રૂપિયા આપીશું : રાહુલ ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય
ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો પ્રજાના જાતભાતના વચનો આપતા હોય છે. તેમા કોંગ્રેસના રાહુલ ગાંધી પણ બાકાત નથી. લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મોટો વાયદો કર્યો છે. મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ દેશની જનતાને વધુ એક વાયદો કરતા જણાવ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ ગરીબ પરિવારોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપશે.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લઘુત્તમ આવક ગેરેન્ટી યોજનાનો વાયદો કર્યો છે. આ યોજના અંતર્ગત કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક વ્યક્તિને દર મહિને 12 હજાર રૂપિયા આપશે. પાંચ વર્ષ સુધી મોદી સરકારના રાજમાં ગરીબ પ્રજા અત્યંત દુખી રહી છે, હવે અમે એ ગરીબોને ન્યાય અપાવીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ભારતભરમાંથી ગરીબી હટાવી દઈશું. ભારતમાં લઘુત્તમ આવક 12 હજાર નક્કી થ‌વી જોઈએ. તમે જો કંઈ કામ કરતા હોય તો તમને મહિને ઓછામાં ઓછા 12 હજાર તો મળવા જ જોઈએ. ભારતમાં જો લઘુત્તમ આવકથી ઓછી આવક હોય તો તે આવકને વધારવાના પ્રયાસો કરવા પડશે. આમ કરવાથી લોકોને ગરીબીમાંથી બહાર લાવી શકાશે. અમે જો સત્તામાં આવીશું તો જરૂરથી આ યોજના પર અમલ કરીશું.
રાહુલ ગાંધીએ કરેલા કેટલાક વાયદા
– 72 હજાર રૂપિયા વાર્ષિક આવક
– 20 ટકા ગરીબોને આવક ગેરેન્ટી યોજનાનો લાભ મળશે
– પાંચ કરોડ પરિવારોને લાભ મળશે
– 25 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે