ફ્લોરિડામાં શુક્રવારે મિયામી એર ઈન્ટરનેશનલનું બોઈંગ 737 વિમાન રનવે પરથી લપસીને સીધું જેક્સનવિલે સ્થિત સેન્ટ જોન્સ રિવરમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરી કરી રહેલા 136 પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો. ખરાબ હવામાન વચ્ચે વિમાન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને નજીકમાં આવેલી નદીમાં પડ્યું હતું. અકસ્માતમાં બે મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. પાયલટે સમયસૂચકતા વાપરી હતી વિમાનને ડૂબતું બચાવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 136 પ્રવાસીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગ્વાન્ટાનામો બેના નેવલ સ્ટેશનથી આવી રહેલી ફ્લાઈટ આશરે 9.40 કલાકે રનવે પર ઉતરી રહી હતી. ઉતરાણ દરમિયાન હવામાન અત્યંત ખરાબ હતું અને વીજળીના કડાકા પણ થઈ રહ્યા હતા. વિમાનના લેન્ડિંગ વખતે તે રનવે પરથી લપસીને આગળ નદીમાં પડ્યું હતું.
જોકે સદનસીબે વિમાન નદીમાં ડૂબતા બચી ગયું હોવાનું જેક્સનવિલેના મેયરે જણાવ્યું હતું. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા તેમજ વિમાનને નદીમાંથી બહાર કાઢવાના પ્રયાસો જારી હોવાનું મેયરે ઉમેર્યું હતું.
આ દુર્ઘટના અંગે એરલાઈન તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. બોઈંગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ ઘટનાથી વાકેફ છે અને વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.