વડોદરામાં વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરા નજીક આજવા ખાતે આવેલા આતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બાળક કપડા બદલી રહ્યો હતો, ત્યારે ટાંકીમાં પડી ગયો
ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલા મહુધાનો પરિવાર 8 જેટલા બાળકોને લઇને દિવાળી વેકેશનમાં વડોદરા નજીક આજવા ખાતે આવેલા વન્ડર લેન્ડ થીમ પાર્ક ખાતે ગયો હતો. જ્યાં મંગળવારે સાંજે તમામ બાળકો ડાન્સિંગ ફૂવારામાં નહાવા ગયા હતા. જ્યાંથી 12 વર્ષનો બાળક હસનેન મનસુરી સાંજે 6:30 વાગ્યે કપડા બદલવા માટે થોડે દૂર ગયો હતો. જ્યાં 10 ફૂટ ઊંડી અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો હતો. જ્યાંથી બહાર કાઢીને તુરંત જ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા રાત્રે 10:26 વાગ્યે ડોક્ટર્સે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

થીમ પાર્કની નિષ્ફાળજીને કારણે બાળકે જીવ ગુમાવ્યો

મૃતક હસનેનના બનેવી ઇમરાન મનસુરીએ જણાવ્યું હતું કે, ટાંકીને ઢાંકણુ હતું જ નહીં, જેથી હસનેન અંદર ડૂબી ગયો હતો. થીમ પાર્કની નિષ્ફાળજીને કારણે હસનેને જીવ ગુમાવ્યો છે. દરેક વ્યક્તિ દીઠ રૂપિયા 300 લેવામાં આવે છે. છતાં વન્ડર પાર્કમાં સહેલાણીઓ માટેની કોઇ સુવિધા નથી. સાંજે 6-30 વાગે ગુમ થયેલ હસનેનનો રાત્રે 9 વાગે પત્તો લાગ્યો હતો. અમે 15 વખત એનાઉન્સ પણ કરાવ્યા બાદ ત્યાંની ટીમ મદદે આવી હતી. પરંતુ, જ્યારે ટીમ આવી ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. થીમ પાર્કમાં એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા નહોતી. જેથી અમારે લોકોએ બહારથી ખાનગી એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.

ટાંકીને કેબિન બનાવીને કવર કરવામાં આવેલી છે
મૃતકના બનેવી દ્વારા કરાયેલા આક્ષેપ અંગે આતાપી વન્ડર લેન્ડના માલિક સંજયભાઇએ જણાવ્યું હતું કે, જે ટાંકીમાં પડી જવાથી બાળકનું મોત નીપજ્યું છે. તે ટાંકીને કેબિન બનાવીને કવર કરવામાં આવેલી છે. અને તેની બાજુમાં જ કપડા ચેન્જ કરવા માટેનો રૂમ પણ બનાવેલો છે. કપડાં ચેન્જ કરવાના રૂમમાં જવાના બદલે ટાંકીના કવર કરેલા રૂમમાં કપડાં બદલવા જતાં આ ઘટના બની છે. ત્યારે આતાપી વન્ડર લેન્ડ સામે નિષ્કાળજીનો આક્ષેપ કેટલો વ્યાજબી છે.
વન્ડર લેન્ડના સત્તાધીશોએ આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો
આજવા ખાતે આવેલા વન્ડ લેન્ડ થીમ પાર્કની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી ગયો હતો. આ ટાંકી ખુલ્લી હોવાથી બાળક તેમાં પડી જતા મોતને ભેટ્યો હતો. જેથી વન્ડર લેન્ડ થીમ પાર્કની બેદરકારી પણ સામે આવી છે. આતાપી વન્ડર લેન્ડના સત્તાધીશોએ આ ઘટનાને છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે સરકારી દવાખાનાના તબીબે વાઘોડિયા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વાઘોડિયા પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

મૃતક બાળકના પિતા રિક્ષા ચલાવે છે

મૃતક બાળક હસનેન મનસુરીના પિતા ઉસ્માનભાઇ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને હસનેન ધો-7માં અભ્યાસ કરતો હતો.

પીપીપી ધોરણે આતાપી વન્ડર લેન્ડર થીમ પાર્ક તૈયાર કર્યો
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે આતાપી વન્ડર લેન્ડર થીમ પાર્ક તૈયાર કર્યો છે. અને ખાનગી કંપની આ થીમ પાર્ક ચલાવે છે.