અમેરિકા(USA)નાં જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે તાજેતરમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્-SGVPની નૂતન શાખા સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ ખાતે SGVPના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મની તમામ ધારાઓના સમન્વય કરતા દેવોની વિવિધ સ્વરૂપોની ૧૮ મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સનાતન મંદિર ૨૦ એકરમાં પાણીના વિશાળ સરોવર સહિત કુલ ૫૦ એકરમાં પથરાયેલું છે.
એસજીવીપી ગુરુકુળ-છારોડીના કનુ ભગતજીએ જણાવ્યું કે આ સનાતન મંદિરમાં કુલ ૧૮ દેવ-દેવીઓની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત મધ્ય સિંહાસનમાં ભગવાન સ્વામિનાારાયણ, બાજુમાં લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવ-પાર્વતીજી, અંબા માતાજી, ઉમિયા માતાજી, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ, ભકત ભોજલરામ અને જલારામબાપા સહિતની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના અંગરૂપ ત્રિદિનાત્મક ૨૫ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મંદિરમાં બિરાજીત દેવો સમક્ષ ભારતીય વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિધિ અંતર્ગત મંદિરમાં બિરાજીત દેવોનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચારેય વેદોનું ગાન, પુરાણો, ઉપનિષદોના ગાન દ્વારા પ્રભુનું સ્વવન થયું હતું. તેમણે જણાવ્યું કે મહોત્સવ દરમિયાન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કથા પ્રસંગમાં પંચદેવોની કથાઓમાં શિવપાર્વતી લગ્નની કથા, ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરક કથા, ભગવાન રામસીતાની કથા, હનુમાનજી મહારાજની કથા, ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની કથા વગેરે પ્રસંગો સાંભળીને લોકો અત્યંત રાજી થયા હતા. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, સવાનાહમાં બિરાજિત દેવો સૌનાં મનોરથો પૂર્ણ કરશે. ભારતના મુખ્ય તીર્થોમાં બિરાજિત તમામ દેવોનાં સુંદર સ્વરૂપો અહીં બિરાજીત થયા છે. અહીં મંદિરમાં દર્શન કરવાથી સમસ્ત ભારતની તીર્થયાત્રાના દર્શનનું ફળ મળશે.