પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ચર્ચામાં છે. પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં આફ્રિદીની ઉંમરને લઈને થયેલા ખુલાસાથી વિવાદ જાગ્યો છે. જોકે આફ્રિદીને ટાંકીને ભારતીય ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરે કોમેન્ટ કરીને તેમાં ઘી હોમ્યું છે. ગૌતમ ગંભીરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન આફ્રિદીને મનોચિકિત્સક પાસે લઈ જવાની ઓફર પણ કરી છે. આફ્રિદીએ પોતાના પુસ્તકમાં તેની ઉંમરને લઈને કરેલા ખુલાસાથી સમગ્ર વિવાદ ઊભો થયો હતો.
આત્મકથામાં આફ્રિદીએ ભારતીય વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર વિશે પણ ટીકા કરાઈ છે. 2011ના વર્લ્ડ કપમાં આફ્રિદી અને ગંભીર વચ્ચે મેદાનમાં ચકમક ઝરી હતી. આફ્રિદીએ ગંભીર પર નિશાન સાધતા જણાવ્યું કે, ‘ભારતના પૂર્વ ઓપનરનું વર્તન યોગ્ય ન હતું અને તેનામાં ઘમંડ હતો.’
ગંભીર વિશે વધુમાં પુસ્તકમાં લખ્યું હતું કે, ‘આવા ઘમંડી લોકોને કરાચીમાં મૂર્ખ કહે છે. મને ખુશમિજાજ તેમજ સકારાત્મક લોકો પસંદ છે. ગંભીરમાં આ ઉણપ હતી’ આફ્રિદીના પુસ્તકમાં પોતાના વિશે કરાયેલી ટિપ્પણી સામે ગંભીરે પણ પલટવાર કરતા જણાવ્યું હતું કે હું તાજેતરમાં જ રાજકારણમાં આવ્યો છું અને ભાજપની ટિકિટ પર દિલ્હીમાં ચૂંટણી લડી રહ્યો છું. તેણે ટ્વીટર પર આફ્રિદીને ટેગ કરીને લખ્યું કે, ‘આફ્રિદી તમે એક વિચિત્ર માણસ છો… પરંતુ વાંધો નહીં, અમે હજુ પણ પાકિસ્તાનીઓને મેડિકલ ટુરિઝમ માટે વિઝા આપીએ છે. હું સ્વયં તમને મનોચિકિત્સક પાસે લઈ જઈશ.’
2007ના એશિયા કપમાં વખતે કાનપુરમાં એક મેચ દરમિયાન આફ્રિદી અને ગંભીર સામસામે આવી ગયા હતા ત્યારે વાતાવરણ ઉગ્ર બની જતા અમ્પાયરે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.