નવગુજરાત સમય, સુરત લવ તાપી, કેર તાપી ટીમ દ્રારા રવિવારે તાપી બચાવો અભિયાન અંતગર્ત માનવસાંકળ રચવાના કાર્યક્રમમાં શહેરના અનેક લોકો જોડાયા હતા અને તાપીને ફરી હરિયાળી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.મહિલાઓએ પણ માનવસાંકળના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.શહેરીજનોએ તાપી કિનારે નારા પણ લગાવ્યા હતા. શહેરની જીવાદોરી તથા આન, બાન અને શાન સમાન તાપી નદીને બચાવવા થોડા મહિનાઓથી એક સાયેલન્ટ મુવમેન્ટ શરૂ કરવામાં આવી છે.પરંતુ હવે આ ટીમે તાપી નદીને બચાવી લેવા શહેરીજનોને પણ પોતાની સાથે જોડાવા હાકલ કરી છે.જેના ભાગરૂપે આજે રવિવારે સાંજે 5 કલાકે નાનપુરા, નાવડી આવારે વિશાળ માનવસાંકળ રચવાનું પ્રયોજન કરવામાં આવ્યું હતું.
તાપીમાં ઠલવાતી ગંદકી અને દુષિત તથા છીછરા થતા જતા તેના પાણી સામે જાણે લવ તાપી, કેર તાપીની ટીમ લાલઘુમ છે અને તેઓએ માનવસાંકળનો ડ્રેસકોડ રાખ્યો હતો લાલ.આમ તો તાપી બચાવોની મુવમેન્ટ ખુબ જ શાંતિપૂર્ણ અને મૌન રહીને ચલાવતા શહેરના ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ અને સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. દિપક પટેલ તથા તેમની ટીમે આ અભિયાન શરૂ કર્યું છે અને તેના માટે સમયાંતરે પ્રયત્નો કરી રહી છે.
તાપી બચાવવાના આજના કાર્યક્રમમાં જોડાવા જાણે તાપી નદી વતી અપીલ કરતા ડો. દિપ્તી પટેલ કહે છે, મારું પાણી વહે છે તમારા શરીરમાં..મને વિશ્વાસ છે મારા પાણીમાં અને તમારામાં… તો આવો મારા કિનારે.રવિવારે રજાનો દિવસ હોવા છતા તાપી માટે દિલથી જોડાયેલા અને તાપી માટે સન્માન ધરાવતા લોકો નાવડી ઓવારે ભેગા થયા હતા. જો અભિયાન રંગ લાવશે તો સરકારે ઝડપથી તાપી સુધારણાનું કામ હાથ પર લેવું પડશે.
