બાર્સેલોનાના ફૂટબોલર મેસ્સીએ 2007માં કરેલા ગોલને મળ્યો બેસ્ટ ગોલનો એવોર્ડ

ખેલ-જગત દેશ-વિદેશ

બાર્સેલોના ના ફૂટબોલર લિયોનલ મેસ્સીએ બેસ્ટ ગોલ એવોર્ડમાં ક્લીન સ્વિપ કરી. બાર્સેલોનાના બેસ્ટ ગોલ એવોર્ડમાં ટોપ-3માં આર્જેન્ટિનાના મેસ્સીના ત્રણ ગોલ જ રહ્યા. મેસ્સીએ 2007માં કોપા ડેલ રેની સેમિફાઇનલમાં ગેટાફેની સામે કરેલાં વિજયી ગોલને સર્વશ્રેષ્ઠ ગોલ તરીકે પસંદ કરાયો છે. આ ગોલે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાએ 1986ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની સામે કરેલાં ગોલની યાદ અપાવી હતી.

મેસ્સીના આ ગોલને સૌથી વધારે 45% વોટ મળ્યા. બેસ્ટ ગોલમાં બીજા નંબરે મેસ્સીનો એટલેટિકો મેડ્રિડની સામે કરવામાં આવેલો ગોલ રહ્યો. 2015 કોપા ડેલ રેની ફાઇનલમાં આ ગોલને 28% વોટ મળ્યા. જ્યારે ત્રીજા ક્રમે તેમનો રિયલ મેડ્રિડની સામે લા લિગામાં કરેલો ગોલ રહ્યો. 2011માં સેન્ટિયાગો બર્નબેઉમાં આ ગોલને 16 ટકા વોટ મળ્યા. બાર્સેલોનાના સર્જી રોબર્ટોએ 2017માં પીએસજીની સામે ચેમ્પિયન્સ લીગની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કરેલો ગોલ ચોથા ક્રમે રહ્યો હતો.

બેસ્ટ ગોલની રેસમાં 63 ગોલ હતા. આમાં 10 ગોલ તો મેસ્સીના જ હતા. બેસ્ટ ગોલ પસંદ કરવા માટે 160 દેશના 5 લાખ ફેન્સે વોટ કર્યા. મેસ્સી બાર્સેલોનાનો ટોપ ગોલ સ્કોરર છે. તેમણે 674 મેચમાં 591 ગોલ કર્યા અને 238 આસિસ્ટ કર્યા છે.