પાકિસ્તાનના મંત્રી શેખ રાશિદે શનિવારે દાવો કર્યો કે કરતારપુર કોરિડોર ખોલવા પાછળ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનું દિમાગ છે. તેમણે ભારતને મોટો ઘાવ આપ્યો છે જે હંમેશા ચુભતો રહેશે. આ પહેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાન કહી ચૂક્યા છે કે આ શરુ કરવાનો આઇડિયા તેમનો હતો. કોરિડોર પંજાબના ડેરા બાબા નાનક અને પાકિસ્તાનના કરતારપુર વચ્ચે બન્યો છે. તેને ગુરૂ નાનકદેવની 550મી જયંતિના અવસરે 9 નવેમ્બરે ખોલવામાં આવ્યો હતો.
ઈમરાન ખાને ભારતીય શીખ શ્રદ્ધાળુઓના પહેલા ગ્રુપનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું, ”મને આ સ્થાનની મહત્વત્તા વિશે જાણકારી ન હતી. મને એક વર્ષ પહેલા તેના વિશે ખબર પડી. હું ખુશ છું કે તમારા માટે આ કરી શક્યો.”
‘ કોરિડોર ખોલીને જનરલ બાજવાએ ભારતને મોટો ઘાવ આપ્યો’
પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે કરતારપુર કોરિડોરને લઇને પ્રધાનમંત્રી ઈમરાન ખાને પહેલ કરી હતી. પરંતુ તેમના નજીકના રેલવે મંત્રી શેખ રાશિદે સરકારના દાવાને ઉલટો કરી દીધો છે. રાશિદે કહ્યું- જનરલ બાજવાએ આ કોરિડોરને ખોલીને ભારતને મોટો જખમ આપ્યો છે. જે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાને શાંતિનો માહોલ બનાવ્યો અને શીખ સમુદાયનો પ્રેમ જીત્યો.
શેખ રાશિદે કહ્યું- ઈમરાન સરકારને પાક. સેનાનું સમર્થન
રાશિદે ભારતીય મીડિયા પર આરોપ લગાવ્યો કે જનરલ બાજવાના સેવા વિસ્તારને જાણી જોઇને મુદ્દો બનાવવામાં આવ્યો. તેમણે માન્યું કે ઈમરાન સરકારને પાકિસ્તાનની સેનાનું સમર્થન છે. રાશિદે કહ્યું કે ઈમરાન સરકારના હજુ ત્રણ વર્ષ બચ્યા છે અને બાજવાને પણ ત્રણ વર્ષનું એક્સ્ટેન્શન મળ્યું છે. તેથી અમારી સરકાર કાર્યકાળ પૂરો કરશે.
PM મોદીએ 550 શ્રદ્ધાળુઓનું પહેલું ગ્રુપ રવાના કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 550 શ્રદ્ધાળુઓનું પહેલું ગ્રુપ કરતારપુર રવાના કર્યું હતું. આ શીખોના સૌથી પવિત્ર તીર્થસ્થળો પૈકી એક છે. ગુરૂ નાનક 4 યાત્રાઓ પૂરી કરીને અહીં વસ્યા હતા. અહીં તેમણે હળ ચલાવીને ખેતી કરી હતી. તેમના જીવનના અંતિમ 18 વર્ષ તેઓ અહીં રહ્યા અને સમાધિ લીધી હતી. તેમણે રાવી નદી કિનારે જ ‘નામ જપો, કિરત કરો ઔર વંડ છકો’નો ઉપદેશ આપ્યો હતો. લંગરની શરૂઆત પણ અહીંથી જ થઇ હતી.

