ગુજરાતમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ, ૪.૫૧ કરોડ મતદારો, ૯૯૦ થર્ડ જેન્ડર

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ૨૩ એપ્રિલે યોજાનારા મતદાનમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ગઈ ૨૫ માર્ચના રોજ મતદાર નોંધણી સંપન્ન થયા બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી યાદીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૩,૭૯,૫૦૧ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં ૧,૭૧,૭૧૬ પુરુષ અને ૨,૦૭,૬૩૬ સ્ત્રી મતદારો અને ૧૪૯ થર્ડ જેન્ડરનો વધારો નોંધાયો છે. એટલે ગુજરાત રાજ્યમાં આ લોકસભાની ચૂંટણીમાં પુરુષો કરતા મહિલા મતદારો માત્ર ૧૭,૩૧,૫૪૮ જેટલા જ ઓછા રહ્યા છે.

ગુજરાતમાં ૧૭મી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે તમામ ૨૬ બેઠકો ઉપર ૨૩ એપ્રિલે મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ચુતાની પાંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં પુરુષ મતદારો ૨,૩૪,૨૮,૧૧૯ , સ્ત્રી મતદારો ૨,૧૬,૯૬,૫૭૧ અને ત્રીજી જાતિના ૯૯૦ મતદારો સાથે કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લે ૨૫ માર્ચ સુધી નવા મતદારોની કરાયેલી નોંધણીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૩,૭૯,૫૦૧ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં મહિલા મતદારોમાં નોંધપાત્ર વધારો નોંધાતા હવે કુલ મતદારોમાં મહિલા મતદારો પુરુષો કરતા માત્ર ૧૭,૩૧,૫૪૮ જેટલા જ ઓછા રહ્યા છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે કે, રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૬૭૭ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. જ્યારે તકેદારીના ભાગરૂપે ૪૪,૯૪૮ બિનજામીનપાત્ર વોરંટ બજાવવા સાથે ૧,૯૦,૭૪૭ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે. તો ૩૦,૬૨૦ જેટલા આરોપીઓ સામે પાસા કે તડીપાર જેવા પગલા ભરવામાં આવ્યા છે.

ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજ્ય આબકારી અને નશાબંધી વિભાગ દ્ગારા કુલ રૂ. ૬.૬૭ કરોડનો ૨.૪૨ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે. તા. ૦૧-૦૪-૨૦૧૯ સુધીમાં કુલ રૂ. ૩.૩૭ કરોડ રોકડ જપ્ત કરવામાં આવેલ છે. જે પૈકી આવકવેરા વિભાગે રૂ. ૩.૨૮ કરોડની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. ૯.૦૦ લાખની રોકડ જપ્ત કરેલ છે. જેમા રૂ. ૪૪.૭૦ લાખ સુરત, રૂ. ૯૩.૯૧ લાખ વલસાડ અને રૂ. ૧૬૩.૩૪ લાખ અમદાવાદમાથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે. જયારે

આચાર સંહિતા ભંગની કુલ ૬૮ ફરિયાદો મળેલ છે. રાજ્યમાં જાહેર ઈમારતો પરથી કુલ ૯૩,૬૬૭ અને ખાનગી ઈમારતો પરથી કુલ ૧૮,૪૯૮ સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧,૧૨,૧૬૫ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતકા વગેરે દુર કરવામાં આવેલ છે.