મનુષ્ય દ્વારા ફેલાયેલા કચરો પ્રકૃત્તિ માટે કેટલો હાનિકારક છે તેને પૂરવાર કરતો કિસ્સો ઇટલી શહેરમાં બન્યો છે. મનુષ્ય સતત સમુદ્રમાં પ્લાસ્ટિક કચરો ઠાલવતો આવ્યો છે જેના કારણે સમુદ્રી જીવો પર ખતરો વધી રહ્યો છે.
તાજેતરમાં જ ઇટલીના સર્દિનિયા શહેર પાસે પોર્ટો કર્વો બીચ પર એક મૃત વ્હેલ મળી આવી હતી. જેના પેટમાં લગભગ 22 કિલો પ્લાસ્ટિક હતું. અગત્યની અને પીડાદાયક વાત એ છે કે, સૃત વ્હેલ ગર્ભવતી હતી અને મનુષ્ય દ્વારા ફેલાયેલ પ્લાસ્ટિક કચરાએ વ્હેલ સહિત તેના આવનાર બચ્ચાનો પણ ભોગ લીધો.
નેશનલ જીયોગ્રાફિક મુજબ, સમુદ્રમાં મનુષ્યો દ્વારા ફેલાયેલ પ્લાસ્ટિક કચરો વ્હેલના પેટમાં ગયો તેના આંતરડામાં ચોંટી ગયો હતો જેના કારણે વ્હેલ જરુરી ખોરાક લઇ ન શકી અને તેની આવનાર પેઢી સહિત તેનો નાશ થયો.
વ્હેલના પેટમાંથી મળેલ પ્લાસ્ટિક કચરામાં ફિશિંગ નેટ્સ, ફિશિંગ લાઇન્સ, પ્લાસ્ટિક બેગ્સ, પ્લાસ્ટિક પાઇપ્સ અને પ્લેટ્સનો સમાવેશ થયો હતો. SEAMEનામની NGOના સભ્યએ જણાવ્યું કે, તેમણે આટલી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક નથી જોયુ, આ આપણા સામાન્ય જીવન જેવું જ હતું પરંતુ વ્હેલના પેટની અંદર હતું.

