મહેસાણામાં ચાર ST બસ વચ્ચે અકસ્માત, એકનું મોત, 20 ઘાયલ

ગુજરાત મુખ્ય સમાચાર

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, તો બીજી બાજુ મહેસાણામાં સિદ્ધપુર ઉંઝા હાઇવે પાસે એક સાથે ચાર ST બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 20થી વધુ મુસાફર ઘાયલ થયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઊંઝાના બ્રાહ્મણ વાડા પાસે ST બસ અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસ પલટી મારી ગઇ હતી, જેમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક મુસાફરનું મોત નિપજ્યું હતું. તો ઘાયલોને 108માં ઊંઝા કોટેજમાં ખસેડવામાં આવ્યા હતા. તો કેટલાક ઘાયલ મુસાફરોને મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને બચાવદળ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તથા ઘાયલોને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે વાતાવરણમાં પલટો આવવાથી ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે રસ્તો સ્પષ્ટ દેખાતો ન હતો, આ કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.