વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની જેમની ઉમેદવારી ચૂંટણીપંચે રદી કરી છે તે પૂર્વ બીએસએફ સૈનિક તેજ બહાદુર યાદવની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ વારાણસીના જિલ્લા ચૂંટણી અધિકારીએ સીમા સુરક્ષાદળના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવનું વારાણસી લોકસભા બેઠક પરનું ઉમેદવારીપત્રક રદ કરી દીધું હતું અને તેની સામે તેજ બહાદુરે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. સુપ્રીમ કોર્ટે દાદ આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે અમને આ પિટિશનમાં કોઈ મેરિટ નથી લાગતું. તેજ બહાદુરે બે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં. એક 24 એપ્રિલના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે અને બીજું 29 એપ્રિલના રોજ સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ભર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારીપત્રકો રદ કરી દીધાં હતા. વારાણસી બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વર્તમાન સાંસદ છે અને તેઓ આ વખતે આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ 26 એપ્રિલના રોજ અહીં ઉમેદવારીપત્રક ભર્યું હતું. આ બેઠક પર કૉંગ્રેસના અજય રાય અને સમાજવાદી પક્ષના એક વધુ ઉમેદવાર શાલિની યાદવે પણ ઉમેદવારી કરી હતી. જોકે, પાછળથી સપાએ તેજ બહાદુર યાદવને સમર્થન આપી ઉમેદવાર ઘોષિત કર્યા હતા જે ઉમેદવારી પત્ર રદ થયું હતું.
