ઉનાળાની શરૂઆત હોય કે રમજાનનો તહેવાર.. ભારતમાં ઠંડા પીણા માટે રૂહ અફ્જા પહેલીથી જ બહુ જાણીતું નામ છે. હાલમાં જ બજારમાં રૂહ અફ્જાની અછત જોવા મળી છે. રૂહ અફ્જા બનાવતી હમદર્દ કંપનીએ જણાવ્યું છે કે, આગામી 10 કે 15 દિવસમાં ભારતીય બજારમાં રૂહ અફ્જા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. તો આવો જાણીએ રૂહ અફ્જાનો ઈતિહાસ વિશે.
રૂહ અફ્જાની શોધ કેવી રીતે થઈ?
1907માં દિલ્હીના લોકો ભીષણ ગરમીથી પરેશાન અને બીમાર પડી રહ્યા હતા. ત્યારે જૂની દિલ્હીના લાલ કુંવા બજારમાં એક હકીમે લોકોને ઠીક કરવા માટે એક દવાની શોધ કરી. આ દવા બીજું કાંઈ નહીં પણ રૂહ અફ્જા હતી.
રૂહ અફ્જા યુનાની હર્બલ ચિકિત્સાના એક હકીમ હાજી અબ્દુલ મજીદે 113 વર્ષ પહેલાં ગાઝિયાબાદમાં તેની શોધ કરી હતી. તેઓએ જૂની દિલ્હીના લાલ કુવા બજારમાં હમદર્દ નામની એક ક્લિનકિ ખોલી હતી. 1907માં દિલ્હીમાં ભીષણ ગરમી અને લૂને કારણે અનેક લોકો બીમાર પડતાં હતા. ત્યારે હકીમ મજીદે દર્દીઓને આ રૂહ અફ્જાની દવા આપી હતી. લૂ અને ગરમીથી બચવામાં હમદર્દની રૂહ અફ્જાએ કમાલ કરી દીધું હતું.
જોત-જોતામાં જ આ દવાખાનું હવે રૂહ અફ્જાને કારણે ઓળખાવા લાગ્યું. રૂહ અફ્જા ફક્ત દવા ન રહેતાં લોકોને ગરમીથી છૂટકારો અપાવવા માટેનો એક નુસ્ખો બની ગઈ. અને આમ હમદર્દ એક મોટી કંપની બની ગઈ હતી. રૂહ અફ્જા મુસ્લિમ સમુદાયમાં ખૂબ ફેમસ થઈ ગઈ, કેમ કે રમજાન દરમિયાન આ ઠંડા પીણાને ઈફ્તારી વખતે પીવામાં આવતું હતું.
આ રીતે પાકિસ્તાન પહોંચ્યું રૂહ અફ્જાઃ
હકીમ હાજી અબ્દુલના બે દીકરા હતા, જેઓ પિતાને વ્યવ્સાયમાં મદદ કરતા હતા. 1947માં દેશના ભાગલાં દરમિયાન હમદર્દ કંપની બે ભાગમાં વહેચાઈ ગઈ. અબ્દુલ મજીદના નિધન બાદ તેમનો મોટો દીકરો ભારતમાં રહ્યો તો, નાનો દીકરો હકીદ મોહમ્મદ સઈદ પાકિસ્તાન જતો રહ્યો. પાકિસ્તાનના કરાચીમાં તેણે હમદર્દની શરૂઆત કરી. અહીં પણ રૂહ અફ્જા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. અને પાકિસ્તાનમાં પણ તે એક ફેમસ બ્રાન્ડ બની ગઈ.
આ કંપની ભારતમાં રૂહ અફ્જાની અછતને જોતાં હવે તેની સપ્લાય કરવાની ઓફર કરી રહી છે. હવે અબ્દુલ માજીદની ત્રીજી પેઢી કંપની સંભાળી રહી છે. અને જણાવાઈ રહ્યું છે કે, ત્રીજી પેઢીમાં કંપની પર નિયંત્રણ જમાવવા માટે લડાઈ ચાલી રહી છે, અને એ જ કારણ છે કે રૂહ અફ્જાનું પ્રોડક્શન થઈ શકતું નથી. જો કે, કંપની તેને એક અફવા ગણાવે છે.
રૂહ અફ્જા કરે છે કરોડોનો કારોબારઃ
1948માં હમદર્દ કંપની ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રૂહ અફ્જા ઉત્પાદન કરે છે. રૂહ અફ્જાની સાથે કંપની સાફી, રોગન બદામ શિરીન અને પચનૌલ જેવા પ્રોડ્કટનું પણ ઉત્પાદન કરે છે. દિલ્હી, માનસેર અને ગાઝિયાબાદમાં હમદર્દ કંપનીના ત્રણ પ્લાન્ટ છે. અને ગત વર્ષે કંપનીએ ઓરંગાબાદમાં પોતાનો ચોથો પ્લાન્ટ બનાવવાની તૈયારી શરૂ કરી છે.
2018ના વિત્તીય વર્ષમાં કંપનીએ 700 કરોડનું ટર્નઓવર કર્યું હતું. પણ કંપનીના ચીફ સેલ્સ મંસૂર અલીનું કહેવું છે કે, ગરમીમાં 400 કરોડની આ બ્રાન્ડનું વેચાણ 25 ટકા વધી જાય છે.

