પાકિસ્તાનને મદદ કરવાના પૈસાથી હવે અમેરિકા બનાવશે મેક્સિકો પર દિવાલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અમેરિકા તરફથી મળતી આર્થિક મદદ રોક્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે, અમેરિકા આ રકમનો ઉપયોગ મેક્સિકો સીમા પર બનાવવામાં આવી રહેલી દિવાલના નિર્માણમાં ખર્ચ કરશે. અમેરિકી કાર્યવાહક રક્ષા મંત્રી પેટ્રિક શાનાહને જણાવ્યું કે, તેમનો દેશ અમેરિકા-મેક્સિકો સીમા પર દિવાલ નિર્માણમાં દોઢ અબજ ડોલર ખર્ચ કરી રહ્યો છે. પેટ્રિકે જણાવ્યું કે, આ રકમ પહેલા અફઘાનિસ્તાન સુરક્ષાદળો તથા પાકિસ્તાની સેનાને મોકલવાની હતી. શાનાહને શુક્રવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, અમે દોઢ અબજ ડોલરની રકમ 120 માઈલ લાંબી સીમા પર દિવાલના નિર્માણમાં લગાવવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, આ રકમ કેટલાએ સ્ત્રોતો ભેગા કરી બનાવી છે. આમાં ગત વર્ષની બચેલી રકમ, પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ પર રોક તથા કેટલાક અનુબંધોમાં ઘટાડો કરવામાં આવેલી રકમ સામેલ છે. આમાંથી 60 કરોડ ડોલરથી વધારે રકમ અફઘાન સુરક્ષાદળોના ખાતામાંથી આવી છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં રહેતા લગભગ 60 લાખ મેક્સિકોવાસી એવા છે જેમની પાસે કાગળો નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દાવો કર્યો કે, છેલ્લા 45 વર્ષમાં આ પહેલો અવસર છે જ્યારે, આ સીમાથી ઘુસણખોરીમાં ઘટાડો થયો છે. ટ્રંપ પ્રશાસને આ દિવાલના ખર્ચનું અનુમાન 12 બિલિયન ડોલર લગાવ્યું છે, જ્યારે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અનુસાર, તેના પર 21 બિલિયનથી વધારે ખર્ચ આવષે. તો એક રિપોર્ટ અનુસાર, આના પર લગભગ 70 બિલિયન ડોલર ખર્ચ આવવાની સંભાવના છે.