અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આજે કહ્યું હતું કે અમે ઇરાન સામે યુધ્ધ કરવા ઇચ્છતા નથી, પરંતુ જો યુધ્ધ કરવું જ પડે તો અમેરિકાની તાકાતની આગળ ઇરાન લાંબું નહીં ટકી શકે. એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકન પ્રમુખને ઇરાન સાથે યુધ્ધ કરવું પડશે કે કેમ તે અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે આ મુજબ જવાબ આપ્યો હતો. હું આશા રાખું છું કે યુધ્ધ કરવું ના પડે, પરંતુ જો કંઇ થાય તો અમે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છીએ. યુધ્ધ લાંબુ નહી ચાલે, એ હું તમને કહી શકું છું’ એમ બંને દેશો વચ્ચે વધેલી તંગદિલીના વાતાવરણમાં તેમણે કહેલું. ઇરાન સાથેની હાલની યુધ્ધ જેવી સ્થિતિમાં ઇરાને અમેરિકાનો માનવરહિત એક જાસુસી ડ્રોન તોડી પાડયો હતો.
ગયા સપ્તાહે અમેરિકાના માનવરહિતના ડ્રોનને તોડી પડાયા પછી ઇરાન સાથેની હાલની કટોકટી અંગે ટ્રમ્પે ઇરાન માટે કડકમાં કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે અમેરિકાની સેનાની તાકાત અને તમામ વિકલ્પો ખુલ્લા હોવા અંગે પણ કહ્યું હતું. ઉપરાંતે ગયા વર્ષે જેમાંથી ટ્રમ્પ વહીવટી તંત્રે પીછેહટ કરી હતી તે મલ્ટીપાર્ટી પરમાણું કરાર અંગે તેહરાન સાથે વાત કરવાની પણ ઓફર કરી હતી.