રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 16000 ઓરડાઓની ઘટ છે અને રાજ્ય સરકાર શાળાઓમાં સીસીટીવી લગાવવા જઈ રહી છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી કહ્યું કે, સ્કૂલોમાં માત્ર સીસીટીવી લગાવવાનો મુદ્દો નથી, બાળકોના ભણતર માટે પુરતી પ્રાથમિક શાળાઓ અને શાળાઓમાં પુરતા ક્લાસરૂમ પણ જરૂરી છે અને ત્યારબાદ સીસીટીવીનો મુદ્દો આવે છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા સરકાર શું પગલા રહી છે તેનો પણ જવાબ આપે.
સીસીટીવી માટે પહેલા તબક્કામાં 10 કરોડની ફાળવણી
તો બીજી તરફ રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો કે, જુલાઈમાં શરૂ થતા સત્રમાં સ્કૂલમાં સીસીટીવી લગાડવા માટેનું બજેટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે તબક્કાવાર સીસીટીવી ઈન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવશે. પહેલા તબક્કામાં 10 કરોડનું બજેટ ફાળવવામાં આવશે.
16,008 ઓરડાની ઘટ હોવાની શિક્ષણમંત્રીએ જ કબૂલાત કરી હતી
ગત વર્ષે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ અંગે આપેલી માહિતીમાં સરકારની પોલ ખૂલી હતી. જેમાં ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 16,008 ઓરડાની ઘટ હોવાનું ખુદ શિક્ષણમંત્રીએ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કબૂલ કર્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણા જિલ્લામાં 582 પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ છે, મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટ જિલ્લામાં 489 અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અમદાવાદ જિલ્લામાં 465 ઓરડાની ઘટ હોવાનો ખુલાસો થયો હતો.

