ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાટૂર્ન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ ’સાવજ’ રાખવામાં આવ્યુ છે.
આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગે જાગૃતિ ફેલાવતા કાર્ટૂન આઇએએસ ઓફિસર નિતિન સાંગવાને બનાવ્યા છે. સાગંવાન મૂળ હરિયાણાના છે અને વેરાવળમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે મતદાર જાગૃતિ માટે એવુ કંઇક કરવું હતુ જેથી દરેક ઉંમરના લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચી શકાય. બાળપણથી મને કાટૂર્નવ બનાવવા પસંદ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ ખૂબ લોકપ્રિય છે, માટે અમે તેને જ મતદાર જાગૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. મતદાન માટેની વિવિધ માહિતી અને અપીલ કરતા સિંહના કાર્ટૂન બનાવી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

