ખેડૂતોને ડીએપી ખાતરના વેચાણમાં વજન ઓછું આવતાના મુદ્દે કોંગ્રેસે ગાંધીનગરના ચિલોડામાં રેડ પાડતા 50કિલોની બેગમાં 300થી 400 ગ્રામ વજન ઓછું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. કોંગ્રેસની છેલ્લા એક સપ્તાહની રેડ પછી શનિવારે મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યમાં જનતા રેડ પાડવાની જાહેરાત થતા ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. જેનાપગલે રાજ્ય સરકારે તમામ તાલુકા મથક પર બે દિવસ શનિ-રવિવારે ખાતરનું વેચાણ બંધ કરાવીને વીડિયોગ્રાફી સાથે વજન કરવાના આદેશ રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહે આપ્યા છે.
મુખ્ય સચિવ જે.એન.સિંહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજયમાં ખાતરના વિતરણ કેન્દ્ર પરથી વેચાતી ખાતરના થેલામાં ઓછું વજન આવતું હોવાની બાબત ધ્યાનમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા વિસાવદરથી લઇને ગાંધીનગર સુધી વિવિધ ડેપો પર જનતા રેડ કરીને ખાતરની બેગમાં 400થી 900 ગ્રામ જેટલું ઓછું વજન આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. આ સમગ્ર જનતા રેડની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી અને જનતા રેડ વખતે ડેપો પર વેચાણ કરતા જવાબદાર કર્મચારીઓને હાજર પણ રાખવામાં આવ્યા હતા.
ખાતરનું સેમ્પલ ચકાસણી માટે કૃષિ યુનિ.માં મોકલાશે
ડીએપીમાં 18 ટકા નાઇટ્રોજન અને 46 ટકા ફોસ્ફરસ આવે છે તેમ કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતુ. તેમણે કહ્યું હતું કે ફોસ્ફરસનું બેથી ત્રણ ટકા પ્રમાણ ઓછું કરવામાં આવે તો પણ કરોડોની રૂપિયાની કંપનીને બચત થાય છે,પણ ખેડૂતના પાકને નિષ્ફળ કરે તેટલી અસર થઇ શકે છે. આવા સંજોગોમાં વિસાવદરમાંથી શુક્રવારે ડીએપી ખાતરનું સેમ્પલ લઇને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ગુણવત્તા ચકાસણી માટે ધારાસભ્યએ આપ્યું છે.
રાજકોટમાં વાર્ષિક 67 લાખનું કૌભાંડ
માત્ર રાજકોટની જ વાત કરીએ તો જિલ્લામાં દર વર્ષે 6 લાખ ગુણી ડીએપી ખાતર સપ્લાય થાય છે જે જીએસએફસી કંપની સપ્લાય કરે છે. દરેક ગુણીમાંથી માત્ર 400 ગ્રામની ઘટ ગણવામાં આવે તો પણ દર વર્ષે 4800 ગુણીનો જથ્થો થાય. માત્ર સબસિડીનો ભાવ 1400 રૂપિયા ગણીએ તો પણ આ જથ્થાની કિંમત 67.20 લાખ થાય.
વીંછિયામાં 700 ગ્રામ જેટલું વજન ઓછું
ગુરુવારે સાંજે વિંછીયાના મોઢુકા ખાતે સેવા સહકારી મંડળીમાં જસદણના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગોડાઉનમાં પડેલી સરદાર ડીએપી બ્રાન્ડ અને એનપીકે બ્રાન્ડના ખાતરની બોરીઓમાં 700 ગ્રામ જેટલું વજન ઓછું હોવાનું ખુલ્યું હતુ.
કૃષિમંત્રીના વિસ્તારમાં જ ખાતર કૌભાંડ સામે આવ્યું
કૃષિમંત્રી આર.સી. ફળદુના જામનગર જિલ્લામાં જ ખાતર કૌભાંડ સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિતના કોંગી આગેવાનોએ જીએસએફસી ખાતરના ડેપો અને ગોડાઉનમાં ચેકિંગ કરતા સરદાર ખાતરની ગુણીમાં 720 ગ્રામ જેટલું વજન ઓછું નીકળ્યું હતું. ખાતરમાં વજન કૌંભાડના પગલે જથ્થો નોટ ફોર સેલ કરાયો છે અને કંપનીના અધિકારીઓએ ડેમેજ કંન્ટ્રોલના ભાગરૂપે ડીએપી ખાતરની બોરીઓનું વેચાણ ન કરવા એજન્સીધારકોને સૂચના આપી છે.

