શાર્કના હુમલા કરતા સેલ્ફીના ચક્કરમાં પાંચ ગણા વધુ લોકોનાં મોત: અહેવાલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

એક અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં શાર્ક માછલીના હુમલાને કારણે જેટલા લોકોના મોત થાય છે તેના કરતાં પાંચ ગણા વધારે લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં મોતને ભેટે છે. જર્નલ ઓફ ફેમિલિ મેડીસિન એન્ડ પ્રાઈમરી કેર દ્વારા કરવામાં આવેલા સંશોધનથી આ તારણ સામે આવ્યું છે.

૨૦૧૧થી ૨૦૧૭ સુધીના આંકડાઓના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે તે સમય દરમિયાન શાર્ક માછલીના હુમલાને કારણે વિશ્વભરમાં ૫૦ લોકોના મોત થયા હતા જ્યારે સેલ્ફીની ઘેલછાએ ૨૫૯ લોકોનો ભોગ લીધો હતો. તેમાં પણ સેલ્ફીની ઘેલછાએ ભારતમાં સૌથી વધારે લોકોનો ભોગ લીધો છે અને ૨૫૯ મૃતકોમાં ભારતીયોની સંખ્યા ૧૫૯ છે.

ભારતમાં સેલ્ફીના કારણે થતા મૃત્યુની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અનેક સ્થળે ‘નો સેલ્ફી ઝોન’ બનાવવામાં આવ્યા છે અને ફક્ત મુંબઈ શહેરમાં જ આ પ્રકારના ૧૬ ઝોન આવેલા છે. વસતીની દૃષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને દેશમાં કુલ ૮૦ કરોડ જેટલા મોબાઈલ ફોન વપરાશમાં છે. સેલ્ફી લેતા સમયે રશિયાના ૧૬ અને અમેરિકાના ૧૪ લોકો મૃત્યુ પામેલા છે અને મહિલાઓ સૌથી વધારે સેલ્ફી લેતી હોવાનું તારણ સામે આવ્યું છે.

સંશોધન પ્રમાણે ખતરનાક જગ્યાઓએ સેલ્ફી લેવામાં યુવાનો આગળ છે અને સેલ્ફી લેતા સમયે જેટલા પણ મોત થયા છે તેમાં યુવાનોની સંખ્યા ત્રણ ચતુર્થાંશ છે. મોટા ભાગે સેલ્ફી લેતા સમયે પાણીમાં ડૂબવાથી, હડફેટમાં આવવાથી, પડી જવાથી કે અન્ય અકસ્માતને કારણે લોકોના મોત થાય છે.