ઓસ્ટ્રેલિયાના પીએમ મોરિસને ટ્વિટર પર મોદી સાથે ફોટો પોસ્ટ કર્યો, કહ્યું- ‘તેઓ કેટલા સારા છે’

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જાપાનના ઓસાકામાં આયોજિત જી-20 સમિટમાં 19 દેશોના રાષ્ટ્રધ્યક્ષ સહિત યૂરોપિયન યૂનિયન (ઈયુ) સામેલ થયા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં દેશોના રાષ્ટ્ર પ્રમુખ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. શુક્રવારે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને વડાપ્રધાન સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી. મોરિસને લખ્યું હતું કે, મોદી કેટલાં સારા છે.

મોરિસનની અન્ય ટ્વિટમાં તેઓ અન્ય રાષ્ટ્રોના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. તેમણે લખ્યું છે કે, સમિટનો પહેલો દિવસ ખૂબ ફાયદાકારક રહ્યો. ઘણાં મુદ્દે ઘણાં નેતાઓ સાથે વાતચીત થઈ. તેમાં સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવતા આતંકી કન્ટેન્ટ પર પ્રતિબંધ લાવવાની સાથે સારા વેપાર પ્રક્રિયા વિશે પણ વાત થઈ.

સમિટના બીજા દિવસે દ્વીપક્ષીય સહયોગ પર ભાર
વડાપ્રધાન મોદીએ શનિવારે ઈન્ડોનેશિયા અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ જોકો વિદોદો અને મોદી વચ્ચે દ્વીપક્ષીય સહયોગ વધારવા વિશે ચર્ચા થઈ હતી. તેમાં વેપાર અને રોકાણની સાથે સુરક્ષાનો મુદ્દો પણ ખૂબ મહત્વનો છે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને આપી છે.

મોદી અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો વચ્ચે પણ મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓઓ જળવાયુ પરિવર્તન, વેપાર, રોકાણ, દ્વીપક્ષીય સંબંધો અને સહયોગ વિશે વાત કરી હતી. મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી અને વ્હાઈટ હાઉસની એડ્વાઈઝર ઈવાંકા સાથે પણ મુલાકાત કરી હતી.

જી-20માં ભાગ લેનાર દેશો
સમિટમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલસ કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડિયા, સાઉથ આફ્રિકા, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, ટર્કી, યૂનાઈટેડ કિંગડમ, યૂનાઈટેડ સ્ટેટ્સ અને યૂરોપિયન યૂનિયન સામેલ છે.

સ્પેનને પણ મળે છે આમંત્રણ
સ્પેન આ સમિટનો ભાગ નથી પરંતુ દર વખતે આ સમિટમાં સામેલ થવા માટે સ્પેનને આમંત્રણ આપવામાં આવે છે. જોકે આ ગ્રૂપનો કોઈ સ્થાપિત સ્ટાફ નથી. દર વખતે ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવે છે કે, આગામી સમિટ ક્યાં આયોજિત કરવામાં આવશે.