દુબઈના શાસકની સ્વરૂપવાન પત્ની 271 કરોડ રૂપિયા સાથે ગાયબ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુબઈના શાસકની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બે બાળકો સાથે સંયુક્ત આરબ અમિરાત(યુએઈ)માંથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગઈ છે. જતી વખતે તે પોતાની સાથે 31 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 271 કરોડ રૂપિયા પણ લઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈના પ્રધાનમંત્રી અને દુબઈના શાસક શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમનો પોતાની છઠ્ઠી પત્ની હયા સાથે ખટરાગ ચાલી રહ્યો હતો. હયાએ લંડનમાં આશ્રય લીધો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

પ્રિન્સેસ હયા જોર્ડનના રાજા અબ્દુલ્લાહની ઓરમાન બહેન છે અને હવે તે દુબઈના શાસક શેખ મુહમ્મદ સાથે છુટાછેડા લેવા માંગે છે. દુબઈથી ભાગેલી હયા જર્મનીમાં વસવા માંગે છે. તેણે પોતાની 11 વર્ષની પુત્રી જાલિયા અને સાત વર્ષના પુત્ર જાયદ સાથે જર્મનીમાં રહેવા માટે રાજકીય શરણ માંગ્યુ છે.

હયાએ ઈંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધુ છે અને તે પછી તે મોટાભાગનો સમય સામાજીક કાર્યોમાં પસાર કરતી આવી છે. જોકે, ફેબ્રુઆરી મહિના બાદ તે સોશ્યલ મીડિયા પર કે કોઈ કાર્યક્રમમાં નજરે પડી નથી. એ પહેલા તે સોશ્યલ મીડિયા પર નિયમિત રીતે પોસ્ટ મુકતી હતી.

આરબ મીડિયાના અહેવાલ પ્રમાણે હયાને દુબઈથી ભાગવામાં જર્મનીએ મદદ કરી છે. આ શંકાના કારણે હવે બંને દેશોના સબંધો પણ ખરાબ થઈ શકે છે. કારણ કે, હયાના પતિ અને દુબઈના શાસક શેખ મુહમ્મદે જર્મની પાસે હયા અંગે જાણકારી માંગી છે. જોકે, જર્મનીએ આ મામલામાં કોઈ મદદ કરવાની ના પાડી દીધી છે.

આ પહેલા શેખની પુત્રી લતીફા દેશ છોડીને ભાગી હતી અને ભારતીય કોસ્ટગાર્ડે તેને પકડી લીધી હતી. ભારત સરકારે ઝાઝી માથાકૂટમાં પડ્યા વગર તેને શેખને સુપરત કરી દીધી હતી.