જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહીના વધારવા અંગેનો પ્રસ્તાવ પાસ, આરક્ષણ સંશોધન બિલને પણ મંજૂરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રાજયસભામાં સોમવારે જમ્મુ-કાશ્મીરમાં આરક્ષણ સંશોધન બિલને મંજૂરી મળી ગઈ છે. આ સિવાય રાષ્ટ્રપતિ શાસન 6 મહીના વધારવાનો પ્રસ્તાવ પણ પાસ થઈ ગયો છે. અગાઉ ગૃહ મંત્રી અમિત શાહે રાજયસભામાં આ બંને બિલ રજૂ કર્યા હતા. જમ્મૂ-કાશ્મીર પર શાહે વિપક્ષને સવાલ કર્યો- કાશ્મીરના પંડિત પોતાના દેશની અંદર જ ઠોકર ખાઈ રહ્યાં છે. તેમના ધાર્મિક સ્થાનોને તોડી પાડવામાં આવ્યા. શું તેઓ કાશ્મીરનો હિસ્સો ન હતા.

ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં બે બિલ રજૂ કર્યા. તેઓએ જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ 6 માસ વધારવાના અને અનામત સુધારા ખરડાને ગૃહમાં મૂક્યાં. આ વચ્ચે મમતા બેનર્જીની પાર્ટી તૃણુમૂલ કોંગ્રેસ બંને ખરડાને સમર્થન આપશે તેવી જાહેરાત કરી છે. જમ્મુમાં જૂન 2018 પછી 6 મહિના રાજ્યપાલ શાસન હતું. 21 નવેમ્બરે રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી દીધી હતી. 20 ડિસેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 2 જુલાઈએ રાષ્ટ્રપતિ શાસનની અવધિ પૂરી થઈ રહી છે.

વર્ષના અંતમાં ચૂંટણી થશે- શાહઃ બંને બિલ લોકસભામાં પસાર થઈ ગયા છે. લોકસભામાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અંગેના પ્રસ્તાવ રજૂ કરતાં શાહે કહ્યું હતું કે, રમઝાન, અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બાદમાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી. આ વર્ષના અંત સુધીમાં ત્યાં ચૂંટણી કરાવવામાં આવશે.

અનામત અધિનિયમ 2004માં સંશોધન- રેડ્ડીઃ ગત દિવસોમાં કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જમ્મુ કાશ્મીર અનામત સંશોધન બિલ રજૂ કર્યું હતું. તેના માટે અનામત અધિનિયમ 2004માં સંશોધન કરવામાં આવશે. બિલ પાસ થવાથી આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક રહેતાં લોકોને અનામતનો લાભ મળી શકશે.

435 ગામના લોકોને લાભ મળશે- શાહઃ સંશોધન મુજબ, એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદની પાસે રહેતી વ્યક્તિ જો સુરક્ષા કારણોથી ત્યાંથી ચાલ્યાં જાય તો તેને પણ અનામતનો ફાયદો મળશે. કુલ મળીને 435 ગામમા લગભગ 3 લાખ 50 હજારની વસ્તીને તેનો ફાયદો મળશે.

અધ્યાદેશ લાવીને સુધારો કરાયો- શાહઃ શાહે કહ્યું કે- એક અધ્યાદેશ લાવીને સુધારો કરાયો કે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેતાં લોકોને 3 ટકા અનામતનો લાભ આપવામાં આવે. આ બિલથી કઠુઆ જિલ્લાના 70 ગામ, સાંભા જિલ્લાના 133 અને જમ્મુ જિલ્લાના 232 ગામને તેનો લાભ મળશે.
શાહના જણાવ્યા મુજબ- તેની અંદર અનુસૂચિત જાતિઓને 8%, જનજાતીઓને 10%, પછાત વિસ્તારમાં રહેતાં લોકોને 20%, નબળાં અને નિર્ધન લોકોને 2% અને વાસ્તવિક નિયંત્રણ રેખા સાથેના વિસ્તારમાં રહેતાં લોકોને 3% અનામતની જોગવાઈ છે.