ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જાળવવામાં ગ્રામ રક્ષક દળ તથા હોમગાર્ડઝના જવાનો સ્થાનિક રીત ખૂબ જ સહાયરૂપ થઇ રહ્યા છે ત્યારે તેઓને પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ તાલીમબદ્ધ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આગામી સમયમાં તેઓને કાયદો વ્યવસ્થા સંરક્ષણ માટેની સઘન તાલીમ અપાશે.
આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગ્રામ રક્ષક દળ અને હોમગાર્ડઝના જવાનોની સંખ્યાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં કાર્યરત હોમગાર્ડઝના જવાનોને દૈનિક ફરજમાં રૂ. ૩૦૦ તાલીમ ભથ્થુ રૂા.૨૦૦/- અને અન્ય રૂા. ૧૦૦/- તથા વાર્ષિક બે ગણવેશ પુરા પાડવામા આવે છે. તે જ રીતે ગ્રામ રક્ષક દળના જવાનોને પ્રતિદિન રૂ. ૨૦૦/- તથા પ્રવાસ ભથ્થું રૂા. ૩૦/- ચૂકવવામાં આવે છે.
આ ઉપરાંત રાજ્યના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે સુરક્ષા માટે સાગર રક્ષક દળ કાર્યરત છે. જેના દ્વારા દેશ વિરોધી પ્રવત્તિઓ અટકાવવામાં મદદ લેવામાં આવે છે. આ જવાનો દ્વારા ટ્રાફિક નિયમન, સ્થાનિક કક્ષાએ રકતદાન, સ્વચ્છતા અભિયાન જેવી સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તથા કાયદો વ્યવસ્થા નિયમનમાં પણ ગ્રામ્ય સ્તરે તેઓની મદદ લેવાય છે. ગામડાઓમાં પાક ભેલાણની સમસ્યાઓમાં પણ આ જવાનો સહાયરૂપ થઇ રહ્યા છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, નર્મદા અને છોટાઉદપુર જિલ્લામાં હાલ હોમગાર્ડઝ અને ગ્રામ રક્ષક દળના જવાનોની સંખ્યા પૂરતી છે. આગામી સમયમાં સ્થાનિક જરૂરિયાત મુજબ નવી ભરતી પણ કરવાનું અમારૂ આયોજન છે.

