ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં અવગણના પામેલા બેટ્સમેન અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આ વાત જાહેર કરી હતી.
33 વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેન રાયડૂને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો પરંતુ ઓલ-રાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયો હોવા છતાં તેની અવગણના કરવામાં આવી છે. શંકરના સ્થાને ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જોકે, રાયડૂએ હજી વિગતવાર જાહેરાત કરી નથી પરંતુ બોર્ડે જણાવ્યું છે કે તેણે બીસીસીઆઈને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. બોર્ડના એક અધિકારી જણાવ્યું છે કે રાયડૂએ બોર્ડને નિવૃત્તિના નિર્ણયની જાણ કરી દીધી છે.
રાયડૂ ભારત માટે 55 વન-ડે રમ્યો છે જેમાં તેણે 47.05ની સરેરાશ સાથે 1694 રન નોંધાવ્યા છે. જોકે, ટેસ્ટ ટીમમાં ક્યારેય સ્થાન મેળવી શક્યો નથી. પરંતુ વર્લ્ડ કપ અગાઉ દોઢ-બે વર્ષથી તેને સતત વન-ડે ટીમમાં રાખવામાં આવ્યો હતો. નંબર ચારના બેટ્સમેન તરીકે તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું.
સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે રાયડૂ ચોથા ક્રમના બેટ્સમેન તરીકે એકદમ યોગ્ય ખેલાડી છે. પરંતુ ટીમની જાહેરાત થઈ ત્યારે પસંદગીકારોએ રાયડૂના સ્થાને ઓલ-રાઉન્ડર વિજય શંકરને ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે રાયડૂને બાદમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો.
મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે શંકરના સમાવેશ અંગે જણાવ્યું હતું કે તેનામાં થ્રી-ડાયમેન્શનલ સ્કીલ છે. એટલે કે તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ રાયડૂએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતું ટ્વિટ કર્યું હતું કે મેં વર્લ્ડ કપ જોવા માટે થ્રીડી ગ્લાસના ચશ્માનો ઓર્ડર આપ્યો છે.

