અમિત શાહે રાજ્યમાં પગ મૂકતાં જ કોંગ્રેસનાં ધારાસભ્યો બસમાં બેસી છૂમંતર

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાંજે 4.30 વાગ્યે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું હતું. અને મજાની વાત તો એ છે કે, જેવું જ અમિત શાહનું અમદાવાદમાં આગમન થયું તેની થોડી જ ક્ષણો બાદ ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ખાનગી લક્ઝરી બસમાં બેસાડીને રવાના થઈ ગઈ હતી.

ગુજરાતમાં રાજ્યસભાની બે સીટ માટે મતદાન થવાનું છે. તે પહેલાં અગમચેતીના પગલાં લેતાં ગુજરાત કોંગ્રેસે 2017નું પુનરાવર્તન કરતાં આ વખતે પણ ધારાસભ્યોને ખાનગી રિસોર્ટમાં લઈ જવાનું એલાન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ આ મામલે બુધવારની સવારે એલાન કર્યું હતું. જ્યારે આજે જ અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. સાંજે જેવાં જ અમિત શાહે ગુજરાતની ધરતી પર પગ મુક્યો, ત્યાં જ બીજી બાજુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ખાનગી લક્ઝરી બસમાં બેસાડી રવાના થઈ ગઈ હતી. પહેલાં ચર્ચા હતી કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ માઉન્ટ આબુ જવાની છે. પણ પછીથી વિગતો આવી કે, કોંગ્રેસ પાલનપુર ખાતે આવેલાં બાલારામ રિસોર્ટમાં પોતાના ધારાસભ્યોને લઈ જશે.

કોંગ્રેસના ધારાસભ્યો અંબાજી મંદિર ખાતે દર્શન કરીને બાલારામ રિસોર્ટ જવા માટે રવાના થશે. તો ઉલ્લેખનીય વાત છે કે, વિપક્ષ નેતા પરેશ ધાનાણી બસની આગળ ડ્રાઈવરની બાજુમાં બેઠાં હતા. પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના ધારાસભ્યો બસમાં હાજર હતા. જ્યારે નવ જેટલાં ધારાસભ્યો ગેરહાજર રહેતાં અનેક અટકળો શરૂ થઈ હતી. તો ગુજરાતમાં શાહની હાજરીને કારણે પણ કોંગ્રેસનાં ધારાસભ્યો તૂટે તેવી શક્યતા છે.