દેશમાં 16 કરોડ શરાબનો, 3.1 કરોડ લોકો ભાંગનો નશો કરે છેઃકેન્દ્ર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશમાં શરાબ તથા ભાંગ સહિત નશીલી ચીજવસ્તુઓના નશો કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં તમામ પક્ષોના સાંસદો દ્વારા બાળકોમાં નશાની વધતી આદત પર ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક સર્વેક્ષણના હવાલાથી જણાવ્યું કે, ભારતમાં 16 કરોડ લોકો આલ્કોહોલ અને 3.1 કરોડ લોકો ભાંગ ઉત્પાદનોનું સેવન કરે છે.

કેન્દ્ર સરકારે દેશના પ્રમુખ 10 શહેરોની સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થીઓને આવરીને એક સર્વેક્ષણ કરાવી રહી છે. કેન્દ્રના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી થાવરચંદ ગેહલોતે દેશના વિવિધ ભાગોમાં આવેલી સ્કૂલોના વિદ્યારથીઓમાં નશાની વધતી આદત પર લાવેલાં એક પ્રસ્તાવ પર વિવિધ રાજકીય પક્ષોના સાંસદો દ્વારા માંગેલાં સ્પષ્ટીકરણનો જવાબ આપતાં આ માહિતી આપી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એમનું મંત્રાલય વર્ષ 2018માં દેશમાં પોતાની રીતે પ્રથમ સર્વેક્ષણ કરાવ્યું હતું. એની જવાબદારી નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ સેન્ટર, એઈમ્સ-દિલ્હીને સોંપાઈ હતી. આ સર્વે માટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 2,11,000 પરિવારોના આવરીને નશીલા પદાર્થોના સેવનની સીમા અને પદ્ધતિ અંગે 4,73,569 લોકોને સવાલ પૂછાયા હતાં. આ સિવાય રિસ્પોડેન્ટ ડ્રિવન સેમ્પલિંગ સર્વેક્ષણ પણ કરાવ્યું હતું, જેમાં 135 જિલ્લામાં ગેરકાયદે નશીલી દવાઓ પર નિર્ભર 72642 લોકોને સામેલ કરાયા હતાં.
આ સર્વેક્ષણ થકી જાણવા મળ્યું કે, 16 કરોડ લોકો આલ્કોહોલનું સેવન કરે છે. 3.1 કરોડ લોકો ભાંગ ઉત્પાદકોનું સેવન કરે છે. સાથે જ 2.26 કરોડ લોકો અફીણનું સેવન કરે છે.

કેન્દ્રિય પ્રધાન થાવરચંદ ગેહલોતે એમ પણ કહ્યું કે, આ સમયે 10 થી 75 વર્ષની વચ્ચના લગભગ 1.18 કરોડ લોકો સીડેટિવ્સનો ઉપયોગ કરે છે, જ્યારે 77 લોકો ઈનહેલેન્ટ્સનો પ્રયોગ કરે છે. નશીલા પદાર્થોમાં ઈનહેલેન્ટ્સની એવી શ્રેણી છે, જે બાળકો અને કિશોરોમાં વધુ પ્રચલિત છે અને આ સંખ્યાની દૃષ્ટિએ એનો ઉપયોગ વયસ્કોથી વધારે છે. તેમણે રાજ્યસભમાં એમ પણ કહ્યું કે, એ પણ જણાવવા ઈચ્છું છું કે દેશના 10 શહેરો અર્થાત, શ્રીનગર, ચંદીગઢ, લખનૌ, રાંચી, મુંબઈ, બેંગલુરુ, હૈદ્રાબાદ, ઈન્ફાલ, દિબ્રુગઢ અને દિલ્હીમાં રાષ્ટ્રીય સર્વેક્ષણના એક ભાગરુપે સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના ઉપયોગની પેટર્ન અને પ્રોફાઈલનું આકલન કરવાના ઉદ્દેશ્યથી એક અન્ય સર્વે કરાઈ રહ્યો છે.

આ સર્વેક્ષણના કુલ નમૂનાના આકારમાં સ્કૂલોના 6000 વિદ્યાર્થીઓ અને કોલેજોના 2000 વિદ્યાર્થીઓને સામેલ કરાઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતના કહેવા અનુસાર, આ સર્વેક્ષણનો રિપોર્ટ નવેમ્બર-2019 સુધી તૈયાર થવાની આશા છે.