વેપારીઓને ફાયદો / GSTનો સૌથી મોટો રિવ્યું શરૂ, રેટ સ્લેબમાં ફેરફાર કરાશે

મુખ્ય સમાચાર

જીએસટીના લોન્ચિંગ બાદ બે વર્ષ પછી કેન્દ્ર સરકારે તેની સૌથી મોટી સમીક્ષા શરૂ કરી દીધી છે. આ સમીક્ષા હેઠળ જીએસટીના સ્લેબ અને દર ફરી એક વાર નક્કી કરવામાં આવી શકે છે. લીકેજ રોકવા અને કલેક્શન વધારવાના પ્રયાસના ભાગરૂપે સરકારે હવે રિવ્યૂ શરૂ કરી દીધો છે. એક દેશ એક ટેક્સની આ વ્યવસ્થાની સમીક્ષાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારોના ૧૨ અધિકારીઓની એક કમિટીને સોંપવામાં આવ્યું છે.

આજે પીએમઓની રાજ્યોના સચિવો સાથે જીએસટીને લઇને વાતચીત થઇ શકે છે. આ વાતચીત પૂર્વે જ આ પેનલની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમિતિમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબના જીએસટીના કમિશનરો ઉપરાંત પ્રિન્સિપાલ જીએસટી કમિશનલ અને સંયુક્ત સચિવ (રેવન્યૂ)ને પણ સામેલ કરવામાં આવ્યા છે. અન્ય રાજ્યોને પણ આ અંગે પોતાનાં સૂચનો આપવા અને સમિતિમાં સામેલ થવા અપીલ કરવામાં આવી છે. આ સમિતિ મુખ્યત્વે એ વાત પર વિચારણા કરશે કે આખરે કઇ રીતે જીએસટીના દુરુપયોગને રોકી શકાય.

આ ઉપરાંત એવા નિયમો બનાવવા અંગે પણ વિચારણા કરશે કે જેથી લોકો સ્વેચ્છાએ જીએસટીના દાયરામાં જોડાવા આગળ આવે. રેસ્ટોરાં જેવા સેક્ટરના જીએસટીથી બચવા અને અન્ય લીકેજને રોકવા પર પણ આ સમિતિ વિચારણા કરશે. જીએસટી રિવ્યૂ કમિટી દ્વારા રાજ્ય સરકારોને કેટલીક પ્રોડક્ટને જીએસટીના સ્લેબમાં લાવવા જણાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને જીએસટી કલેક્શન ઘટીને રૂ. ૯૧,૯૧૬ કરોડ થયું હતું જે ૧૯ મહિનાની નીચી સપાટીએ હતું. આ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં જીએસટી કલેક્શનનો ગ્રોથ પાંચ ટકાથી ઓછો રહ્યો છે. તેની સામે ટાર્ગેટ ૧૩ ટકાથી વધારવાનો હતો.