દેશમાં આટલા કરોડ કેસ છે કોર્ટમાં પેન્ડિંગ, 8,500 નવા જજોની તાકીદે જરૂર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશની અદાલતોમાં ત્રણ કરોડથી વધુ કેસો છેલ્લાં કેટલાંય વરસોથી પેન્ડિંગ છે. ઓછામાં ઓછા 8,500 નવા જજોની તાકીદે જરૃર છે એવી માહિતી ગુરૂવારે સંસદમાં અપાઇ હતી. ગયા વરસે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. સંસદમાં માહિતી આપતાં કાયદા પ્રધાને કહ્યું કે હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં મળીને 8,500થી વધુ જજોની તાકીદે જરૂર છે. દિવસે દિવસે કેસની સંખ્યા વધતી જાય છે. આ પરિસ્થિતિ જોખમી છે. આમ જનતાનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઊઠી જાય એ પહેલાં પગલાં લેવાની જરૂર છે.

દેશમાં સૌથી વધુ કેસો અલાહાબદ કોર્ટમાં પેન્ડિંગ છે. અહીં 7,30,305 કેસ ઊભા છે. એજ રીતે નીચલી અદાલતોમાં કેસના ભરાવા બાબતમાં પણ ઉત્તર પ્રદેશનો પહેલો ક્રમ છે. અહીં નીચલી અદાલતોમાં 74 લાખ, 78 હજાર 93 કેસ ઊભા છે. જજો નહીં હોવાથી કેસની સંખ્યા પરીકથાની રાજકુંવરીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે વધે છે.

ગુજરાત રાજ્યમાં 16 લાખ, 97 હજાર 814 કેસ ઊભા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્ર મળીને 78 ટકા (3,978) જજોની જગ્યાઓ ખાલી છે જે તાકીદે ભરવી જોઇએ.