લીડ્ઝના હેડિંગ્લે મેદાન પર ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતની શાનદાર જીત થઈ છે. ભારતની 7 વિકેટે જીત થઇ છે. શ્રીલંકાના 265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના શરૂઆતના બંન્ને બેટ્સમેન રોહિત શર્મા અને કે.એલ.રાહુલની સદીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી. આ સાથે જ વર્લ્ડકપની એક આવૃત્તિમાં સૌથી વધારે 5 સદી બનાવવાનો કિર્તિમાન રોહિત શર્માના નામે થયો.
આ અગાઉ શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. બેટિંગમાં ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખુબ જ નબળી રહી. 55 રનના સ્કોર પર શ્રીલંકાના ચાર ખેલાડીઓ પેવેલિયન ભેગા થઇ ગયા. પરંતુ મેથ્યૂઝની સદી અને થિરિમાનેએ બાજી સંભાળી ટીમને 264 રનના સ્કોર પર પહોંચાડી.
એન્જલો મેથ્યુઝની સદી અને લાહિરૂ થિરિમાનેની ફિફટી થકી શ્રીલંકાએ મેચમાં વાપસી કરી હતી. મેચમાં પાંચમી વિકેટ માટે બંન્નેએ 124 રન કર્યાં. મેથ્યુઝે 128 બોલમાં 10 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 113 રન અને થિરિમાનેએ 68 બોલમાં 53 રન કર્યાં હતા. મેથ્યુઝ પોતાના વનડે કરિયરની ત્રીજી સદી ફટકારી. આ સિવાય ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ, જ્યારે રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી.

