સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી; રાજીનામા પ્રમાણિક છે, એ તપાસવામાં આખી રાત જશે

મુખ્ય સમાચાર રાજકીય

નવી દિલ્હી/બેંગલુરુઃ જેડીએસ અને કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્યો ગુરૂવારે સાંજે વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારને મળવા પહોંચ્યા. મુલાકાત બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મે પ્રક્રિયામાં મોડું કર્યું, આ વાત ખરેખર ખોટી છે. મને રાજયપાલે 6 જુલાઈએ માહિતી આપી અને હું ત્યાં સુધી ઓફિસમાં હતો. આ પહેલા કોઈ પણ ધારાસભ્યએ મને એ નથી જણાવ્યું કે હું મળવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા પ્રમાણિક છે કે નહિ તે તપાસવામાં આખી રાત જશે. સુપ્રીમ કોર્ટે મને નિર્ણય લેવાનું કહ્યું છે. મે દરેક બાબતોની વીડિયોગ્રાફી કરી છે. આ તમામ ચીજો હું કોર્ટમાં મોકલીશ.

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ કર્ણાટકમાં રાજીનામું આપનાર કોંગ્રેસ-જેડીએસના 10 વિદ્રોહી ધારાસભ્યોને ગુરૂવારે સાંજે 6 વાગ્યા સુધીમાં વિધાનસભાના અધ્યક્ષને મળવાનો આદેશ આપ્યો હતો. બાદમાં મુંબઈની હોટલમાં રોકાયેલા તમામ ધારાસભ્યો બેંગલુરુ જવા રવાના થયા હતા. તેમના આવતા પહેલાના 2 કલાક પહેલા મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વિધાનસભા પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી. કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. તેમાંથી 10 રાજીનામાને સ્વીકાર કરવામાં મોડું થવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટનો આદેશ બાકીના 6 ધારાસભ્યો પર લાગુ પડશે નહિ.

વિદ્રોહી ધારાસભ્યોની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સ્પીકર રમેશ કુમાર કોઈ પણ પ્રકારનું મોડું કર્યા વગર રાજીનામા પર નિર્ણય કરે અને શુક્રવારે તે અંગે કોર્ટને જણાવે. કર્ણાટક પોલિસ ધારાસભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરે. બાદમાં સ્પીકરે કોર્ટ પાસે રાજીનામા પર વિચાર કરવા સમય માંગ્યો. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવાથી ઈન્કાર કર્યો હતો. બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સ્પીકર કોર્ટના આદેશ અને નિયમોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે.