એસ.ટી.બસ ચલાવવાનો પાંચ વર્ષ કે તેથી ઓછા વર્ષોના અનુભવવાળા ડ્રાઇવરોને લાંબા અંતરની એક્સપ્રેસ બસોની સર્વિસમાંથી હટાવીને ફરજીયાતપણે લોકલ બસોમાં મૂકવાનો નિર્ણય લેવાયા છે. જેનો અમલ તમામ ૧૬ વિભાગીય ડેપો દ્વારા તાત્કાલિક કરવાની તાકિદ પણ કરાઇ છે. જેને લઇને ડ્રાઇવરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. છેલ્લા બે વર્ષોમાં બસોના અકસ્માતના વધેલા પ્રમાણની નિગમ કક્ષાએ સમીક્ષા હાથ ધરાઇ હતી. જેમાં ઓછા સમયથી ફરજ બજાવતા ડ્રાઇવરોને અકસ્માત માટે સીધે સીધા જવાબદાર ઠેરવીને મુસાફરોન સલામતી માટે ઉપરોક્ત નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
‘સલામત સવારી, એસ.ટી. અમારી ‘ સ્લોગન માત્ર આશ્વાસન પુરતું રહી ગયું હોવાની લાગણી હવે ખુદ નિગમના ઉચ્ચ અધિકારીઓ પણ અનુભવી રહ્યા છે. એસ.ટી.બસોના વારંવાર થતા અકસ્માત એક ગંભીર સમસ્યા બની જવા પામી છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતનું પ્રમાણ વધી જતા હવે રહી રહીને નિગમ દ્વારા અકસ્માત કઇ રીતે ટાળી શકાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. નિગમના આ નિર્ણયથી નવી ભરતી પામેલા તેમજ પાંચ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યુવાન ડ્રાઇવરોને લોકલ બસોમાં મૂકી દેવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટી જશે તેની શું ગેરંટી, અને આ પદ્ધતિ યોગ્ય તેમજ અસરકારક સાબિત થશે કે કેમ તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
લાંબા અંતરની બસોમાં વર્ષો જુના અને નિવૃતિને આરે આવીને ઉભેલા ડ્રાઇવરોને મૂકવાના થતા શિડયુલ ઓવરટાઇમ વધારે આપવાનો થતા નિગમને આર્થિક ભારણ વધશે. જુના કર્મચારીઓનો પગાર વધારે હોવાથી તેઓને શિડયુલ ઓવરટાઇમના વધુ પૈસા ચૂકવવા પડશે, નોંધપાત્ર છેકે થોડા સમય પહેલા નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડીને આદેશ પણ કરાયો હતો કે લોંગ રૂટમાં ઓછા પગારવાળા ડ્રાઇવરોને જ મૂકવા હવે તેનું ઉલટું થતા નિગમના આડેધડ, અવિચારી પગલાઓ સામે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે યુનિયનોના આગેવાનોના જણાવ્યા મુજબ આ મામલે યુનિયનોને વિશ્વાસમાં લેવાતા નથી કે તેઓની સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય માર્ગ શોધવાનો પ્રયાસ પણ કરાતો નથી. ટ્રાફિક સંચાલનના મુખ્ય વ્યવસ્થાપક દ્વારા આડેધડ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેથી નિગમને નુકશાની થઇ રહી છે. તાજેતરમાં જ પ્રિમિયમ બસોને કંડક્ટર લેસ કરી દેવાનો નિર્ણય લેવાતા આ બસોનો વકરો પણ ઘટયો હોવાના દાવો યુનિયન આગેવાનો કરી રહ્યા છે.
ડ્રાઇવરોની ભરતી સીધે સીધે કરી દેવાઇ નથી. વિવિધ પરીક્ષાઓ લેવાઇ છે. ડ્રાઇવીંગના ટેસ્ટ્ લેવાયા છે. નિગમના નિષ્ણાતો દ્વારા તેઓને પાસ જાહેર કરીને ડ્રાઇવરની ફરજ સોંપાઇ છે. તો પછી આ તમામ પ્રક્રિયામાં ક્યાં ઉણપ રહી ગઇ કે નિગમના જ ડ્રાઇવરોને સીધા અકસ્માત માટે જવાબદાર ગણાવાઇ રહ્યા છે. બીજી તરફ વર્ષો જુના ડ્રાઇવરો વૃદ્ધ હોવા ઉપરાંત નિવૃતિને આરે આવીને ઉભા હોવાથી તેઓની શારીરિક ક્ષમતા ઘટવા ઉપરાંત શારીરિક તકલીફો વધવાની પણ સંભાવના રહેલી છે.
ખખડધજ અને કંડક્ટરલેસ બસો પણ અકસ્માત માટે જવાબદાર છે
અકસ્માત માટે ફક્ત ડ્રાઇવરોને જ જવાબદાર ન ગણીને બીજા પાસાઓ પર પણ વિચાર કરવો જોઇએ. ઉચ્ચ અધિકારીઓ નિગમની પોતાની લાપરવાહીઓ, ઉણપો સંતાડીને ફક્ત ડ્રાઇવરોને દંડયા કરે તે નીતિ સામે કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
વર્ષો જૂની ખખડધજ બસો દોડી રહી છે, કિ.મી.પુરા થઇ ગયા હોવા છતાંય બસો સંચાલનમાં છે. વિવિધ ડેપોમાં મિકેનીકલ સ્ટાફની ઘટ હોવાથી બસોની નિયમિત અને પુરતી મરામત થતી નથી. કંડક્ટરલેસ બસો ફરી રહી છે આ સંજોગોમાં ડ્રાઇવર એકલો ટિકિટો ફાડે, મુસાફરોને બેસાડે-ઉતારે કે પછી ડ્રાઇવીંગમાં ધ્યાન આપે આ મુદ્દાઓ પણ ધ્યાને લેવાની જરૂર વર્તાઇ રહી છે.

