ગુજરાત વિધાનસભામાં આજે નર્મદા યોજનાની વિવિધ કેનાલનો મુદ્દે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે હોબાળો મચી ગયો હતો કારણકે પ્રશ્નોત્તરી દરમિયાન બે નંબરનો પ્રશ્ન સરદાર સરોવર નર્મદા યોજનાની વિવિધ કેનાલોના બાકી રહેલા કામના સંદર્ભમાં હતો.
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ઊભા થઈને ઉભી રીતે પૂછ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તમે કેનાલોનું કામ બાકી રાખ્યું છે તે કરાતુ નથી તો આ કામ ક્યારે થશે તે જણાવો.
આવું સાંભળીને નીતિન પટેલ ઉભા થઈ ગયા હતા. તેઓએ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નર્મદા યોજનામાં કેટલું મોડું થયું હતું તે સંદર્ભની વાત શરૂ કરી હતી. જે સાંભળીને કોંગ્રેસના બળદેવજી ઠાકોર ગુસ્સામાં આવી ગયા હતા અને ઉભા થઈને નીતિન પટેલની સામે હાથ કરી કશું બોલતા હતા. આથી નાયબ મુખ્યમંત્રી વધુ ભડક્યા હતા.
નીતિન પટેલ ગુસ્સામાં કહ્યું કે તમે બેસી જાઓ તમને બોલવાનો કોઈ જ અધિકાર નથી. તમે નેતાગીરી ન કરશો આ વિધાનસભા છે અહીં તમારા જૂઠાણાં અમારે સાંભળવાના? આવ સાંભળ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા હતા અને હોહા કરી મૂકી હતી.
બીજી બાજુ ભાજપના મોટાભાગના ધારાસભ્યો પણ પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા હતા અને બંને ધારાસભ્ય વચ્ચે તું તું મેં મેં થઈ હતી તેમજ એકબીજા પર આક્ષેપો શરૂ કર્યા હતા.
ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ મામલો શાંત પાડયો હતો અને સૌ કોઇને વિનંતીથી બેસાડ્યા હતા. ત્યારબાદ નીતિન પટેલ કેનાલના સંદર્ભમાં જવાબ આપ્યો હતો તેમજ કહ્યું હતું કે પરેશભાઈ ધાનાણીની વાત સાચી છે.
નર્મદા ડેમમાં અને યોજનામાં કોઈ રાજકારણ આવવું જોઈએ નહીં. આ યોજના કોઈ રાજકીય પક્ષની કે કોઈની નથી પરંતુ સમગ્ર ગુજરાતની છે. જ્યાં પણ જમીન સંપાદનનો પ્રશ્ન છે તેવા સ્થળે તમામ ધારાસભ્યોએ લઈને અનેક લોકોને સમજાવી જોઈએ આમ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.
કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી સાયન્સમાં વિશ્વગુરુ છે કારણકે…
સરકારે રજૂ કરેલા બજેટની માગણીઓ પરની ચલતા ના પ્રથમ દિવસે સાયન્સ એન્ડ ટેકનોલોજી ની માગણી પર કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી જબરજસ્ત બેટિંગ કરી હતી.
તેઓએ વિધાનસભાગૃહની અંદર ખૂબ જ હળવા મૂડમાં જણાવ્યું કે સાયન્સ અને ટેક્નોલોજી ખૂબ જ અગત્યનો વિષય છે. સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ટેકનોલોજી માટે ઘણું કામ કર્યું છે. આજે ભારત વિશ્વગુરુ થવાની વાત કરે છે પરંતુ હું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ વિશ્વ ગુરુ માનું છું, કારણકે 1990માં ભારતમાં ડિજિટલ કેમેરા આવ્યા હતા. જ્યારે 1995માં ભારતમાં ઈન્ટરનેટની સેવા ચાલુ થઇ હતી પરંતુ નરેન્દ્ર મોદીએ 1988માં ડિજિટલ કેમેરાથી વિરમગામમાં ભાજપના દિગ્ગજ નેતા અડવાણીની સભાના ફોટા ખેંચ્યા હતા તેમજ સીમકાર્ડથી તેઓએ આ ફોટાને ઇ-મેલથી દિલ્હી મોકલ્યા હતા આથી હું અધ્યક્ષને વિનંતી કરું છું કે મોદી સાહેબ આ ડિજિટલ કેમેરો શોધો અને આ કેમેરાને મ્યુઝીયમમાં રાખવામાં આવે છે જેથી લોકો તેના દર્શન કરી શકે.
સોલંકીના ઇશારાથી વિધાનસભામાં સન્નાટો મચી ગયો હતો પરંતુ તેઓ કોઇ આક્ષેપબાજી કરતા ન હોવાથી તેઓને અટકાવી શકાય તેમ પણ ન હતા. વડાપ્રધાન મોદી પર જબરદસ્ત કટાક્ષ થઈ રહ્યો હોવા છતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના તમામ મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યોને જબરજસ્તી આ સાંભળવું પડ્યું હતું.
જોકે સોલંકી આટલેથી અટક્યા ન હતા અને તેઓ આગળ ધપાવ્યું હતું કે પુલવામાં આતંકવાદી હુમલો થયા બાદ પીઓકેમાં એર સ્ટ્રાઈક કરાઈ હતી. એ સમયે મોદીએ પોતાના અધિકારીઓને જણાવ્યું હતું કે વાદળછાયુ વાતાવરણ હોવાથી આપણને હુમલો કરવાની સરળતા રહેશે. કારણકે આવા માહોલને કારણે ફાઈટર જેટ પાકિસ્તાનના રડારમાં આવશે નહીં.
જોકે સોલંકીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે જ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમને અટકાવ્યા હતા અને તમારો સમય પૂરો થયો છે તેવું જણાવ્યું હતું આથી સોલંકીએ પણ દલીલ કરી હતી કે મને દસ મિનિટનો સમય અપાયો છે. આમ વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સોલંકીએ સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરા વિશ્વગુરુ હોવાની વાત દોહરાવી હતી જોકે તેમના આ કહેવા પાછળનો આશય શું છે તેની બધાને ખબર પડી ગઈ હતી.
સ્પેશિયલ અને સુપર સ્પેશૅલિટીના ડોક્ટરો જલ્દીથી મળતા નથી: ગૃહમાં ખુદ આરોગ્ય મંત્રીની કબૂલાત
કારણકે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમે એક પેટા પ્રશ્ન પૂછ્યો હતો તેઓએ ગૃહમાં આક્રોશ સાથે જણાવ્યું કે અમારે ત્યાં બાળકોના સર્જન નથી જેથી ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે તો આવા ડોક્ટરો નિમણૂક જલ્દી થાય તે માટે સરકાર કાર્યવાહી કરે.
જવાબ આપવા ઉપર થયેલા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિખાલસતાથી કબૂલ કે તમારી વાત સાચી છે. એમબીબીએસ ડોક્ટરો જલદીથી મળી જાય છે પરંતુ સ્પેશિયલ કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જલ્દીથી મળતા નથી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં આવી તકલીફ છે અને આ સમસ્યા માત્ર ગુજરાતમાં જ છે એવું નથી સમગ્ર દેશમાં આવા સર્જનોની અછત છે.
ભૂતકાળમાં આ વિધાન સભામાં અમે જ્યારે વિરોધ પક્ષમાં બેસતા હતા ત્યારે પણ અમે આવો પ્રશ્ન પૂછતા હતા અને અમને એ સમયના આરોગ્યમંત્રીએ આવો જવાબ આપ્યો હતો કે હું તમને આપી રહ્યો છું આમ છતાં અમે જે હોસ્પિટલમાં સર્જનો નથી ત્યાં જલદીથી તેમની નિમણૂક થાય તે માટેના પ્રયાસો ચોક્કસથી કરીશું.
દરમિયાનના કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે કહ્યું છે કે સરકારી અને જનરલ હોસ્પિટલમાં 4644 જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3916 તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3495 જગ્યાઓ ખાલી છે ભરાયેલી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ વર્ગ-3 અને વર્ગ-4 ની કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરાયેલી છે જ્યારે વર્ગ-1 અને વર્ગ-૨ તથા વર્ગ-૩ની 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.
ગુજરાતના 32 જિલ્લામાં વેટ અને GSTની 80 હજાર કરોડથી વધુની વસૂલાત બાકી છે
વિધાનસભામાં આજે કોંગ્રેસના વિવિધ ધારાસભ્યોએ ગુજરાતના 32 જીલ્લાઓમાં અને વેટ તથા GSTની કુલ કેટલી રકમની વસૂલાત બાકી છે તેના પ્રશ્નો પૂછ્યા હતા. પ્રશ્નોત્તરી દરમિયાન સરકાર દ્વારા તેના લેખિતમાં જવાબ આપ્યા હતા જે મુજબ ગુજરાતના કુલ 32 જિલ્લામાં સેલ ટેક્સ વેટ અને GSTની રકમની વસુલાત બાકી હોય તેવા કુલ 481૩૨ એકમો છે.
જેમાં પણ દસ લાખથી વધુની રકમની વસૂલાત બાકી હોય તેવા 6394 એકમો છે. આવા એકમો પાસેથી કુલ રૂપિયા 29560ની વસુલાત કરવાની બાકી છે. જ્યારે 10 લાખથી ઓછી રકમની વસુલાત કરવાની બાકી હોય તેની ગણતરી કરવામાં આવે તો 50 હજાર કરોડથી વધારેની વસુલાત બાકી છે. આમાં બંનેનો આંકડો મેળવીએ તો 80 હજાર કરોડથી વધારેની વસુલાત કરવાની બાકી છે.

