માંડલઃ દલિત યુવકની પોલીસ સામે હત્યા કેસમાં યુવતી ગાયબ, પિતાની અટકાયત

ગુજરાત

માંડલ ખાતે વરમોર ગામમાં જ એક પરિવાર દ્વારા પોતાના જમાઈની જ પોલીસ સામે હત્યા કરી દીધી હતી. જે દરમિયાન બનેલી ઘટના સંદર્ભે મહિલા પોલીસ અર્પિતા અને ૧૮૧ હેલ્પલાઈનના કાઉન્સીલર ભાવીકા ભગોરાને સસ્પેન્ડ કરી હતી. હત્યા કેસમાં આજે વધુ એક આરોપી અને યુવતીના પિતા દશરથસિંહ ઝાલાની પોલીસે અટકાયત કરી લીધી હતી.

આ ઘટના જ્યારે બની તે દિવસથી જ યુવતી જાણે હવામાં ઓગળી ગઈ હોય તેમ ક્યાંય નજરે પડી ન હતી. જોકે પોલીસે યુવતીને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં હજુ સુધી યુવતી મળી આવી નથી.

કચ્છના ગાંધીધામનો દલિય યુવક પોલીસની હાજરીમાં પત્નીને લેવા માટે વરમોર ગામ ગયો હતો જ્યાં યુવતીના પિતા, ભાઈ સહિતના લોકો હાજર હતા ત્યારે તેઓ યુવકને જોઈ ઉશકેરાઈ ગયા હતા અને તેમણે હથિયારોથી તેના પર પોલીસની હાજરીમાં જ તેને રહેંસી નાખ્યો હતો.

આ મુદ્દે માંડલ પોલીસે 8 લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે યુવતીનાં પિતા અને અન્ય એક વ્યક્તિની અટકાયત પણ કરી દેવામાં આવી છે.

શું હતો બનાવ

માંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મહિલા હેલ્પલાઈનમાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવતા ભાવીકાબહેન ભગોરા પોતાના નિયત પોઈન્ટ ચાંગોદર ખાતે તા 8મીના બપોરના અઠીવાગે હાજર હતા, ત્યારે તેમને મહિલા હેલ્પ લાઈનના કંટ્રોલ રૂમ તરફથી જાણકારી આપવામાં આ બસ સ્ટેન્ડ પાસે હરેશ સોંલકી નામની વ્યકિત તમારી મદદ માંગી રહી છે, કંટ્રોલ દ્વારા ભાવીકા ભગોરાને હરેશ સોંલકીનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો હતો. કંટ્રોલ રૂમના સંદેશા આધારે અભયમની ટીમ માંડલ જવા રવાના થઈ હતી. કાઉન્સીલર ભાવીકે ફોન દ્વારા હરેશનો સંપર્ક કરતા તેણે જાણકારી આપી હતી કે તેણે પ્રેમ લગ્ન કર્યા છે. તેની પત્ની ઉર્મીલા ગર્ભવતી છે અને હાલમાં તેના પિતા દશરથસિંહ ઝાલાના ઘરે છે. તેને પોતાની પત્નીની ચિંતા થાય છે, માટે તેને મદદની જરૂર છે.

આ માહિતીને આધારે અભયમની ટીમ માંડલ જવા રવાના થઈ હતી. જેમાં કાઉન્સીલર ભાવીકાની સાથે ડ્રાઈવર સુનીલ સોંલકી અને મહિલા પોલીસ કોન્સટેબલ અર્પીતા હતા. અભયમને ટીમે માંડલ બસ સ્ટેન્ડ પહોંચી હરેશને ફોન કરતા કેટલીક વ્યકિતઓ ત્યાં આવી હતી. જેમાં એક યુવકે પોતાનો પરિચય હરેશ સોંલકી તરીકે આપ્યો હતો, જ્યારે સાથે પોતાની માતા અને એક સંબંધી હોવાનું જણાવ્યું હતું, હરેશની રજૂઆત પ્રમાણે તે પ્રેમ લગ્ન કરી ઉર્મીલા સાથે ગાંધીધામ રહેતો હતો. બે મહિના પહેલા ઉર્મીલા ગર્ભવતી થઈ ત્યારે તેના પિતા દશરથસિંહ તેને આવી તેડી ગયા હતા, પણ હવે તેને પોતાના ઘરે મોકલતા નથી તેથી ચિંતા થાય છે અને દશરથસિંહે મને વરમોર ચર્ચા કરા બોલાવે છે.

ઘટનાની જાણકારી મેળવી અભયમની ટીમ માંડલથી વરમોર જવા નિકળતી હતી ત્યારે હરેશ સોંલકીએ કહ્યું ગામમાં ઉર્મીલાનું ઘર કોઈ બતાડશે નહીં તેથી હું પણ સાથે આવું છું, આમ કહી હરેશ પણ અભયમની ગાડીમાં બેસી ગયો હતો, રસ્તામાં અભયમના ડ્રાઈવર સુનીલ કુમારે હરેશને પુછ્યું હતું કે તારી હાજરીને કારણે સ્થિતિ બગડે તેમ હોય તો તું ઉતરી જા અમે ત્યાં જઈશું, પણ હરેશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી તેમ જણાવ્યું હતું. સાત કિલોમીટર પછી વરમોર પહોંચેલી ટીમ સાંકડા રસ્તા ઉપરથી ગામમાં દાખલ થઈ અને એક નાનકડા ચોકમાં આવી ઊભી ત્યારે વાહની પાછળની સીટમાં બેઠેલા હરેશ સોંલકીએ ટીમને હાથ વડે ઈશારો કરી ઉર્મીલાનું ઘર બતાડયું હતું.

કાઉન્સીલર ભાવીકે હરેશને વાહનમાં જ બેસી રહેવાની સૂચના આપી અને તે કોન્સટેબલ અર્પીતા સાથે ઉર્મીલાના ઘરે ગયા હતા. જયાં તેમણે પોતાનો પરિચય આપી દશરથસિંહ સાથે વાત કરવાનું કહેતા ઘરની મહિલાઓએ દશરથસિંહને બોલાવ્યા હતા.કાઉન્સીર ભાવીકે દશરથસિંહ ઝાલા અને પરિવારના સભ્યોને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કાઉન્સીંલ કર્યું હતું. આખરે એકાદ મહિનામાં સમાધાન કરી લઈશું તેવું નક્કી થઈ ગયું હતું. આથી ભાવીકે અને અર્પીતા ઘરની બહાર નિકળ્યા અને અભયમના વાહન સુધી પહોંચ્યા હતા ત્યારે તેમને મુકવા માટે દશરથસિંહ અને પરિવારના અન્ય પુરૂષ સભ્યો પણ આવ્યા હતા. આ વખતે તેમની નજર અભયમના વાહનમાં બેઠેલા હરેશ ઉપર પડતા વાત વણસી હતી.

અને ઘરના પુરૂષ સભ્યો લાકડી અને ધારીયા લઈ હરેશને વાહનની બહાર કાઢી તુટી પડયા હતા. આ વખતે ત્યાં હાજર કોન્સટેબલ અર્પીતા અને ડ્રાઈવર સુનીલે તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમની ઉપર પણ હુુમલો કરી દેવામાં આવ્યો હતો અને અભયમનું વાહન પણ તોડી નાખવામાં આવ્યું હતું. આ બનાવ બાદ તરત મહિલા પોલીસ કોન્સટેબલ અર્પીતાએ મદદ માટે કંટ્રોલરૂમને જાણ કરતા માંડલ પોલીસ વરમોર ગામ દોડી આવી હતી પણ પોલીસ પહોંચી ત્યાં સુધી તો હરેશ સોંલકીનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજયું હતું, આ બનાવ બાદ તરત સિનિયર પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને હત્યા કરનાર દશરથસિંહ ઝાલા સહિત આઠ વ્યકિતઓને શોધવા તપાસ શરૂ કરી છે, પરંતુ ગામના મોટા ભાગ લોકોના ઘરો ખાલી કરી ભાગી ગયા છે.