નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને બીજી વખતની મંત્રણા રવિવારે શરૂ થઈ ગઈ છે. આ મંત્રણા માટે બંને દેશના 20-20 અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલની આગેવાનીમાં પાકિસ્તાની દળ ભારત આવ્યું છે.
મોદી સરકાર સત્તામાં પરત ફર્યા બાદ આ પહેલી અને અત્યાર સુધીમાં પાકિસ્તાન સાથે બીજી વખતની વાતચીત છે. આ પહેલાં 14 માર્ચે બંને દેશોના પ્રતિનિધિઓએ ડ્રાફ્ટ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપ્યું હતું. ભારત કોરિડોરના નિર્માણ પર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જેની મદદથી શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાઈટેક સિક્યોરિટી, સર્વિલાંસ સિસ્ટમ, 5000થી લઈને 10 હજાર શ્રદ્ધાળુઓને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
પાકિ્સતાને ખાલિસ્તાન સમર્થક ગોપાલસિંહને મંત્રણામાંથી દૂર કર્યો: કરતારપુર કોરિડોર પર મંત્રણાના એક દિવસ પહેલાં પાકિસ્તાને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાને પોતાની કમિટીથીમાંથી હટાવી દીધો છે. ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે રવિવારે વાઘા બોર્ડર પર કોરિડોરને લઈને બીજી વખત વાતચીત થશે. આ પહેલાં ભારતે ચાવલાની મંત્રણામાં હાજરીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. બંને દેશો વચ્ચે પહેલા તબક્કાની વાતચીત 14 માર્ચે થઈ હતી. ત્યારે ડ્રાફ્ટ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.
ઈમરાન ખાન સરકારે શુક્રવારે કહ્યું કે અમે પાકિસ્તાન શીખ ગુરૂદ્વારા પ્રબંધક કમિટી (PSGPC)ના પુનર્ગઠન કરવા અંગે ખુશી છે. નવી કમિટીમાં ગોપાલ સિંહ ચાવલાનું નામ નથી. જે બાદ ભારતે કહ્યું હતું કે આનાથી બંને દેશ વચ્ચે કોરિડોરને લઈને જે વાંધો હતો તે હાલ પૂરતો જોવા નહીં મળે. હવે પાકિસ્તાનની સાથે બીજા તબક્કાની વાતચીતમાં કરતારપુરના મુદ્દે કોઈ ઉકેલ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
કોરિડોર 31 ઓક્ટોબર સુધી પૂર્ણ થશે તેવી આશાઃ કરતારપુર કોરિડોર પંજાબમાં ગુરદાસપુરથી ત્રણ કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન સરહદ નજીક હશે. શીખ શ્રદ્ધાળુઓ આ કોરિડોરથી પાકિસ્તાન સ્થિત ઐતિહાસિક ગુરૂદ્વારા દરબાર સાહેબ સુધી સીધા દર્શન માટે જઈ શકશે. અહીં 1539માં ગુરૂનાનક દેવે પોતાનો અંતિમ સમય પસાર કર્યો હતો. કોરિડોરને ગુરૂનાનક દેવની 550મી વર્ષગાંઠ પહેલાં 31 ઓક્ટોબર સુધી પૂરો થશે તેવી આશા છે.
કોણ છે ગોપાલ ચાવલા?: ગોપાલસિંહ ચાવલાને ખાલિસ્તાન સમર્થક માનવામાં આવે છે. તે લાંબ સમયથી પાકિસ્તાનમાં રહે છે. ચાવલાએ ગત વર્ષે ભારતીય અધિકારીઓને લાહોરના ગુરૂદ્વારામાં જતા રોક્યા હતા. નવેમ્બર 2018માં અમૃતસરમાં થયેલાં ગ્રેનેડ હુમલાની તપાસ દરમિયાન તેની ભૂમિકા મળી આવી હતી. આતંકી હાફિઝ સઇદનો નજીક માનવામાં આવે છે. થોડાં સમય પહેલાં જ ગોપાલસિંહ અને હાફિઝનો એક ફોટો જાહેર થયો હતો. નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાન મુલાકાત દરમિયાન ચાવલા પણ તેની સાથે નજરે પડ્યો હતો.