પાકિસ્તાનને વિશ્વ બેંકે એક મોટી ફટકાર લગાવી છે. બલુચિસ્તાનમાં સ્થિત રેકો ડિક ખાણ સોદાને લઇને વિશ્વ બેંક સાથે સંકળાયેલી એક કોર્ટે ૬ અબજ ડોલરનો પાકિસ્તાનને દંડ ફટકાર્યો છે. જે દંડ ફટકાર્યો છે તેમાં ૪.૦૮ અબજ ડોલરની પેનલ્ટી છે જ્યારે ૧.૮૭ અબજ ડોલર વ્યાજ છે. આ દંડ પાકિસ્તાને ટેથયાન કોપર કંપની (ટીસીસી)ને ચુકવવો પડશે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ મોટી ફટકાર માનવામાં આવી રહી છે. બીજી તરફ ભીસમાં આવી ગયેલા ઇમરાન ખાને આ મામલો હવે ક્યાં સુધી પહોંચી શકે છે તેને લઇને એક આયોગનું ગઠન કર્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ સોદામાં ગડબડ હોવાનું કહીને તેને રદ કરી દીધો હતો, જે બાદ આ સોદા સાથે સંકળાયેલી કંપની ટીસીસીએ વર્ષ ૨૦૧૨માં આઇસીએસઆઇડી સમક્ષ ૧૧.૪૩ અબજ ડોલરનો દાવો કર્યો હતો. ૨૦૧૭માં આ મામલે ચુકાદો આવ્યો હતો તે સમયે ટીસીસી કંપનીએ જે દાવા કર્યા હતા તેને સાચા ઠેરવ્યા હતા પણ કોઇ દંડની રકમ જાહેર નહોતી કરી, અંતે આ કોર્ટે પાકિસ્તાનને અધધધ છ અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે જેમાં મુળ પેનલ્ટી ઉપરાંત વ્યાજનો પણ સમાવેશ કરાયો છે. વિશ્વ બેંકના સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ (આઇસીએસઆઇડી)ના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. આશરે ૭૦૦ પાનામાં આ કેસનો ચુકાદો આપ્યો હતો. પાકિસ્તાને બલૂચિસ્તાન પ્રાંતમાં રેકો ડિકમાં મોટા પ્રમાણમાં સોનુ અને તાંબાની ખાણોની તપાસ કરી હતી. આ મામલે બાદમાં કંપની સાથે પાકિસ્તાને કરાર કર્યા હતા, સરકાર સાથે હાથ ધરાયેલો પ્રોજેક્ટ પાછળ કંપનીએ ૨૨ કરોડ ડોલર ખર્ચ કરી નાખ્યા હતા. અચાનક પાકિસ્તાન સરકારે ૨૦૧૧માં પાકિસ્તાન સરકારે ખનન માટે કંપનીને પટ્ટે આપવાની ના પાડી દીધી હતી. બાદમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ સોદાને રદ કરી દીધો હતો. સમગ્ર મામલો બાદમાં વિશ્વ બેંકની સેટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ પાસે પહોંચ્યો હતો જ્યાં કંપની સામે પાકિસ્તાન હારી ગયું હતું, પરીણામે આ કોર્ટે પાકિસ્તાન સરકારને છ અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો.
