ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાચંક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં માત આપી ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી રોમાંચક બનેલી ફાઇનલ મેચ અંતે ટાઈમાં પરિણમ્યા બાદ ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં વિજય હાંસલ કરીને પહેલી વાર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ 50 ઓવરમાં આઠ વિકેટે 241 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડે પણ 50 ઓવરમાં 241 રન કર્યા હતા. આમ મેચ ટાઈમાં પરિણમી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ ફાઇનલ આવી રસાકસીભરી બની ન હતી કે ટાઈ પડી ન હતી.

242 રનના લક્ષ્યાંક સામે રમતાં ઇંગ્લેન્ડને પણ શરૂઆતમાં તકલીફ પડી ગઈ હતી. તેના બેટ્સમેન આસાનીથી રન લઈ શકતા ન હતા. ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીએ ચુસ્ત બોલિંગ કરી હતી. આ ઉપરાંત કોલીન ડી ગ્રેન્ડહોમે શાનદાર બોલિંગ કરીને તેની દસ ઓવરનો સ્પેલ પૂરો કરી દીધો હતો જેમાં તેણે માત્ર 25 રન આપીને જો રૂટની અત્યંત બહુમૂલ્ય વિકેટ ઝડપી હતી. ગ્રેન્ડહોમે આ સાથે રૂટની આ ટુર્નામેન્ટની સફળ આગેકૂચ અટકાવી દીધી હતી. પ્રથમ 25 ઓવર સુધી ન્યૂઝીલેન્ડનું પલ્લું ભારે હતું. બંને ટીમની રનરેટની સરખામણીમાં ન્યૂઝીલેન્ડ આગળ હતું. 25 ઓવર બાદ કિવિ ટીમે બે વિકેટે 109 રન કર્યા હતા જેની સરખામણીએ ઇંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવીને 93 રન કર્યા હતા.

જોની બેરસ્ટોએ 36 રન નોંધાવ્યા હતા તો ઓપનર જેસન રોય 17 રન કરી શક્યો હતો. જો રૂટ સાત અને મોર્ગન નવ રનના અંગત સ્કોરે આઉટ થઈ જતાં ઇંગ્લેન્ડની તકલીફમાં વધારો થયો હતો. જોકે આ તબક્કેથી બેન સ્ટોક્સ અને જોઝ બટલરની લડતનો પ્રારંભ થયો હતો.

બંનેએ પહેલા તો વિકેટ બચાવી હતી અને સેટ થયા બાદ તેમણે આક્રમક બેટિંગનો પરચો આપ્યો હતો. બટલર અને સ્ટોક્સે લગભગ એક સાથે જ પોતાની અડધી સદી પૂરી કરી હતી અને સાથે સાથે 124 બોલમાં સદીની ભાગીદારી પણ પૂરી કરી હતી. 50 રન માટે બટલર 53 અને સ્ટોક્સ 81 બોલ રમ્યો હતો. સ્ટોક્સ સાથે 110 રનની ભાગીદારી નોંધાવીને બટલર 59 રનના સ્કોરે આઉટ થઈ જતાં મેચ ફરીથી રસપ્રદ બની ગઈ હતી.

અગાઉ ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ ભારત સામેની સેમિફાઇનલની સમાંતર ચાલી હતી. માર્ટિન ગુપટિલ એકાદ બે નિર્ણયમાં બચી ગયો હતો પરંતુ અંતે તે ક્રિસ વોક્સની બોલિંગમાં લેગબિફોર થયો હતો. આમ આ વર્લ્ડ કપ તેના માટે નિરાશાજનક રહ્યો હતો. 2015ના વર્લ્ડ કપમાં એક ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારનારો બેટ્સમેન આ વખતે દસ ઇનિંગ્સમાં પણ 200 રન કરી શક્યો ન હતો.

ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલમાં ધીમી શરૂઆત કરી હતી અને એવી જ રીતે તેઓ આ મેચમાં પણ રમ્યા હતા. હેનરી નિકોલસ અને કેપ્ટન કેન વિલિયમ્સને ઇનિંગ્સ જમાવવાનો પ્રયાસ કરીને બીજી વિકેટ માટે 74 રન ઉમેર્યા હતા પરંતુ તેઓ રનરેટ વધારી શક્યા ન હતા. આ તબક્કે લિયમ પ્લન્કેટે ન્યૂઝીલેન્ડને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે કેન વિલિયમ્સનને આઉટ કર્યા બાદ હેનરી નિકોલસની વિકેટ પણ ખેરવી હતી. વિલિયમ્સન એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનારો સુકાની બન્યો હતો પરંતુ 30 રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો.

હેનરી નિકોલસ કિવિ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનારો એકમાત્ર બેટ્સમેન બન્યો હતો. તેણે 77 બોલમાં 55 રન ફટકાર્યા હતા જેમાં ચાર બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સમાં માત્ર બે સિક્સર જોવા મળી હતી. પહેલી સિક્સર માર્ટિન ગુપટિલે પ્રારંભમાં ફટકારી હતી તો બીજી સિક્સર ટોમ લાથમે ફટકારી હતી. ટોમ લાથમની બેટિંગની કારણે જ ન્યૂઝીલેન્ડ 200નો આંક વટાવી શક્યું હતું. વિકેટકીપર-બેટ્સમેન લાથમે 56 બોલમાં 47 રન ફટકાર્યા હતા. રોઝ ટેલર માંડ 15 રન કરી શક્યો હતો. જોકે એક વિવાદાસ્પદ નિર્ણયમાં તે લેગબિફોર થયો હતો. અમ્પાયર મેરિયસ ઇરાસમસે તેને આઉટ આપ્યો હતો પરંતુ ટીવી રિપ્લેમાં સ્પષ્ટ થયું હતું કે બોલ સ્ટમ્પની ઉપરથી નીકળતો હતો.

જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રેન્ડહોમ અને મિચેલ સેન્ટનર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રખાતી હતી જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
ઇંગ્લેન્ડે ચેમ્પિયનને છાજે તેવી બોલિંગ કરી હતી. ખાસ કરીને જોફરા આર્ચરે વેધક બોલિંગ કરી હતી. તેણે એક જ વિકેટ લીધી હતી પરંતુ તેની બોલિંગ પ્રભાવશાળી રહી હતી. ક્રિસ વોક્સે 37 રન આપીને તથા લિયમ પ્લન્કેટે 42 રન આપીને ત્રણ ત્રણ વિકેટ લીધી હતી.