ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલો મોટો ખુલાસો થયો છે. ફોરેન્સિક રિપોર્ટ પોલીસને મળ્યો છે જેમાં હત્યા બાદ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ખુશ્બૂ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ખુશ્બૂએ હત્યા કર્યા બાદ આપઘાત કર્યા હોવાનો ખુલાસો થયો છે.
રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રવિરાજ સિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારવામાં આવી છે. જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું છે. તપાસમાં ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડાં પરથી ગન પાવડર નથી મળી આવ્યો.
પોલીસના જણાવ્યા પ્રમાણે 9 મહિનાથી બન્ને વચ્ચે સંબંધ હતા. રવિરાજ પરિણિત હોવાથી રોજ ખુશ્બૂને મળીને રોજ રાત્રે 3 વાગે ઘરે જવા માટે નિકળી જતો હતો. રવિરાજ અને ખુશ્બૂ વચ્ચે છુટા પડતી વખતે તકરાર થતી હતી. ત્યારે તકરારમાં જ ખુશ્બૂએ ચાર ફૂટ દૂરથી રવિરાજને ગોળી મારી હોવાનું તારણ છે.
રવિરાજનું મોત થયું ત્યારે તે ઘરે જવાની તૈયારીમાં હતો. ખુશ્બૂ કઢંગી હાલતમાં હતી અને રવિરાજનો હાથ પકડ્યો હતો. રવિરાજને ગોળી વાગી તેનો એન્ટરિંગ પોઈન્ટ નાનો હતો. જ્યારે ખુશ્બુને ગોળી વાગી તેનો એન્ટરિંગ પોઈન્ટ મોટો હતો. જેને લઈને ખૂશ્બુએ જ હત્યા કરી હોવાનું તારણ કાઢવામાં આવ્યુ છે.

