લોકસભામાં સોમવારના રોજ NIAને વધુ તાકાત આપવા વાળું એક સંશોધન બિલ પાસ થયું. આ દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ઉભા થયા અને વિરોધ કર્યો હતો. આ વચ્ચે અમિત શાહ પણ ઉભા થયા હતા. શાહે આ દરમિયાન ઓવૈસીને કહ્યું, તમારે સાંભળવું તો પડશે. સેશન બાદ મીડિયા સાથે વાતચીત કરતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું, જે ભાજપના નિર્ણયનું સમર્થન નથી કરતા તેઓ દેશદ્રોહી કહેવાય છે. શું તેમણે દેશદ્રોહીઓની દુકાન ખોલી રાખી છે?અમિત શાહે આંગળી ઉઠાવીને મને ધમકી આપી છે,પરંતુ તેઓ માત્ર ગૃહ મંત્રી છે,ભગવાન નથી. તેમણે નિયમોને વાંચી લેવા જોઈએ.
NIA સંશોધિત બિલ પર સોમવારે ચર્ચા શરુ થઇ ત્યારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર અને ભાજપ સાંસદ સત્યપાલસિંહે કહ્યું, હૈદરાબાદમાં થયેલા હુમલાઓમાં જયારે પોલીસે ઘણા અલ્પસંખ્યક સમુદાયથી આવવા વાળા શંકાસ્પદ માણસોને પકડ્યા તો સીધા મુખ્યમંત્રીએ કમિશ્નરને કહ્યું, આવું ન કરશો અથવા તો આપની નોકરી જતી રહેશે.
ભાજપ સાંસદના આ નિવેદન પર ઓવૈસીએ વાંધો ઉઠાવ્યો અને જેવું અસદુદ્દીન ઓવૈસીએ બોલવાનું શરુ કર્યું ત્યાં અમિત શાહ પણ ઉભા થઇ ગયા. તેમણે કહ્યું, અસદુદ્દીન ઓવૈસી સાહેબ સાંભળવાની પણ તાકાત રાખો. જયારે એ.રાજા બોલી રહ્યા હતા ત્યારે તમે કેમ ઉભા ન થયા? આવું નહિ ચાલે, સાંભળવું પણ પડશે. ત્યારબાદ સંસદમાં હોબાળો શરુ થઇ ગયો હતો.