કોંગ્રેસને અલવિદા કહ્યાં બાદ અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા કેસરિયો ખેસ ધારણ કરવાના છે એટલે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવાના છે. અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ. ઠાકોર સેનાની કોર કમિટિમાં આ નિર્ણય લેવાયો છે.
કોર કમિટિની બેઠક બાદ ધવલસિંહે કહ્યું કે, ઠાકોર સેનાનો નિર્ણય અમને શિરોમાન્ય છે. હવે આ મામલે ભાજપના નેતાઓ સાથે ઠાકોર સેના ચર્ચા કરશે. આ અગાઉ અલ્પેશ ઠાકોરે પણ ગઇકાલે કોર કમિટિનો જે નિર્ણય હશે તે માન્ય રહેશે તેનું જણાવ્યું હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંન્ને ભાજપમાં જોડાશે તેવું પહેલેથી જ નક્કી માનવામાં આવતું હતું. જે આજની ઠાકોર સેનાની બેઠક બાદ સ્પષ્ટ થઇ ગયું છે.

