અંતે અલ્પેશ ઠાકોર આવતીકાલે ભાજપમાં જોડાશે, મંત્રીપદ સામે પ્રશ્નાર્થ

મુખ્ય સમાચાર રાજકીય

અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે ભાજપમાં આવતીકાલે જોડાશે. પરંતુ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ ભાજપ પુરું નહીં કરે. જેથી અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે. અલ્પેશ ઠાકોરની સાથે તેનો ઝભ્ભો પકડીને ગયેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ ધારણ કરશે. આ સમયે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.

આ કારણે અલ્પેશને મંત્રીપદ નહીં મળે
ઘણા લાંબા સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે અને તેને મંત્રી બનાવશે તેવી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. પરંતુ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા પાછળ ભાજપની પણ સોદાબાજી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યો લઈને ભાજપમાં આવે તો જ તેને મંત્રીપદ આપવું તેવી ચર્ચાઓ ચાલી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી અલ્પેશ ઠાકોરે પહેલ કરીને કોંગ્રેસમાંથી રાજીનામાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ અલ્પેશની સાથે રાજીનામા આપવા માટે અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્યો તૈયાર ન થતા અલ્પેશ ઠાકોર અટવાયો હતો.

ધવલસિંહને પણ વિધાનસભાની ટિકીટ મળવા સામે પ્રશ્નાર્થ
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મુદ્દે ગેરલાયક ઠરવાની દહેશતને કારણે અલ્પેશે મતદાન કર્યા બાદ તુરંત જ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્યારે અલ્પેશ ઠાકોરનો ઝભ્ભો પકડીને ચાલતા ધવલસિંહ ઝાલાએ પણ અલ્પેશના માર્ગે ચાલીને રાજીનામું તો આપી દીધું પરંતુ આ બન્નેનો ભાજપ પ્રવેશનો માર્ગ મુશ્કેલ બન્યો છે. માત્ર એટલું જ નહીં જો ભાજપ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પ્રવેશ આપશે તો મંત્રીપદ તો ઠીક પણ ફરીથી વિધાનસભાની ટિકીટ મળશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ છે.