નવી દિલ્હી: રાજ્યસભામાં આજે NIA સંશોધન બિલ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે બિલ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યું છે. આ પહેલાં બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીને વધારે અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરીશુ: અમિત શાહ
રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે, શું NRC જેવું બીજુ કોઈ રજિસ્ટર લાગુ થઈ રહ્યું છે? અને હા તો તે કયા રાજ્યો તેની સીમામાં આવશે. આ સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, એનઆરસી આસામ સમજૂતીનો હિસ્સો છે અને બીજેપી મેનિફેસ્ટોનો પણ હિસ્સો છે. દેશની જમીન પર રહેતા દરેક ઘૂસણખોરની ઓળખ કરીને તેમને બહાર કાઢવામાં આવશે.
રાજ્યસભામાં સપા સાંસદ જયા બચ્ચને બાળકો વિરુદ્ધ થતા ગુનાનો મુદ્દો ઉઠાવીને સરકાર પાસે તે ગુનાહિત પ્રવૃતિઓના આંકડા માંગ્યા હતા તેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, આ વર્ષે પોક્સ એક્ટ અંતર્ગત 12,600થી વધારે રેપ કેસ દાખલ થયા છે. જેમાં 6,600 કેસ સામે ચાર્જશીટ દાખલ થઈ છે. તે સાથે જ 2 હજાર કેસમાં તપાસ ચાલી રહી છે. મંત્રીએ કહ્યું કે, આ વિવિધ રાજ્યોનો કેસ છે અને આ કારણે રાજ્યોને કેન્દ્ર તરફથી દરેક શક્ય મદદ કરવામાં આવશે.
રાજ્યસભામાં કુપોષણ મુદ્દે ચર્ચા
ગૃહમાં જેડીયુ સાંસદ કહકશાં પરવીને કુપોષણ મુદ્દે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનું ધ્યાન દોર્યું હતું. રાજ્યસભામાં કુપોષણ મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કુપોષણનો પડકાર એક સામાજિક પડકાર બની ગયો છે. પરંતુ વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં હવે આ પડકાર એક જનઆંદોલન બની ગયું છે.
નિરક્ષરતા પણ કુપોષણનું એક મોટું કારણ: જયા બચ્ચન
કુપોષણ મુદ્દે રાજ્યસભામાં સપા સાંસદ જયા બચ્ચને કહ્યું કે, પહેલા ગૃહમાં સારી અને લાંબી ચર્ચાઓનું ચલણ હતું પરંતુ હવે બોલાવા દેવામાં નથી આવતા. ખાસ કરીને મહિલાઓના મુદ્દાઓને સમય આપવામાં નથી આવતો. જયા બચ્ચને કહ્યું કે, સરકારને કેટલો સમય લાગશે કે જ્યારે દેશમાં સ્વસ્થ બાળકો પેદા થશે અને તેમનામાં કુપોષણની ફરિયાદ નહીં હોય. તેમણે કહ્યું કે, ગ્રામીણ ભારતના ગરીબ લોકોમાં કુપોષણ વધારે હોય છે અને છોકરા-છોકરીનો ફરક પણ આ સમસ્યાને ગંભીર બનાવી દે છે. તે માટે મહિલાઓને શિક્ષિત કરવાની જરૂર છે અને તે માટે ગ્રામ પંચાયતના સ્તરે કામ કરવું પડશે.
આસામને બીજુ કાશ્મીર નહીં બનવા દઈએ- શાહ
લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા અમિત શાહે આસામની લખીમપુર ચૂંટણી રેલી સંબોધન કરી હતી. આ દરમિયાન તેમણે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનસીઆર) બિલ પર કહ્યું હતું કે, અમે આસામને દેશનું બીજુ કાશ્મીર નહીં બનવા દઈએ. મોદી સરકાર એનઆરસી એટલે જ લાવી છે.
31 જુલાઈએ થશે ફાઈનલ સૂચીનું પ્રસારણ
30 જુલાઈ 2018માં પ્રકાશિત યાદીમાં 2.9 કરોડ લોકોને સામેલ કર્યા છે. જ્યારે અરજી 3.29 કરોડ લોકોએ કરી હતી. આ યાદીમાં 44 લાખ લોકોને બહાર કરવામાં આવ્યા હતા. આસામમાં એનઆરસી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે. 31 જુલાઈ સુધી તેની પહેલી ફાઈનલ યાદી રજૂ કરી દેવામાં આવશે.

