કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને બદનામ કરવાની ધમકી આપી બારડોલીની મહિલાએ દોઢ કરોડની ખંડણી માગી

ગુજરાત રાજકીય

આર્થિક તંગીથી ત્રસ્ત હોવાથી રાતોરાત લખપતિ થવા મધ્યમ વર્ગની જનતા ટીવી પરની ગુનાખોરી સંબંધિત સિરિયલોમાંથી પ્રેરણા લઈ કેવું દુઃસાહસ કરી બેસે છે તેને ઉજાગર કરતો એક કિસ્સો બારડોલીમાં પ્રકાશમાં આવ્યો છે.

બારડોલીના MLA અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પાસે દોઢ કરોડની ખંડણી માંગતી અને ખંડણી ન આપે તો બદનામ કરી દેવાની અને કુંટુંબીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપતી બબ્બે જાસા ચિઠ્ઠી મળી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ધમકી આપનાર બારડોલીની પ્રવિણા મૈસુરિયા નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કેબિનેટ મંત્રી ઇશ્વર પરમારની ઓફિસને ગત મહિનાની ૨૮મી તારીખે મળેલા એક નનામા પત્રમાં લખનારે પરિવારમાં બીમારી હોય આર્થિક મદદ માંગી હતી. તેમજ મદદ નહીં મળે તો મંત્રીને બદનામ કરવાની ધમકી પણ અપાઈ હતી. ત્યારબાદ પાંચ દિવસ પહેલા ૧૫મી જુલાઈના રોજ બારડોલી નગર ભાજપના માજી પ્રમુખને બારડોલીના સ્વામિનારાયણ મંદિરના બાજુના ઓટલા પરથી એક બંધ કવર મળી આવ્યું હતું. આ કવરમાં રહેલા નનામા પત્રમાં પણ મંત્રી ઈશ્વર પરમારને બદનામ કરવાની સ્પષ્ટ ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

આ પત્રમાં ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે બારડોલીના સરભોણના હઠીલા હનુમાન મંદિર નજીક રોકડ રકમ પહોંચાડવા જણાવ્યું હતું. જેથી ભાજપના અગ્રણીઓએ ડમી થેલા સાથે એક યુવકને ઊભો રાખ્યો હતો. પરંતુ કોઈ આવ્યું નહોતું. મંત્રીએ આ પત્ર અંગે મુખ્યમંત્રીને પણ જાણ કરી હતી. દરમિયાન આ અંગે બારડોલીના ભાજપના એક હોદેદારે બારડોલી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે વિવિધ સીસીટીવી ફુટેજો તપાસી બારડોલીના આશાપુરી આનંદનગરમાં રહેતી પ્રવિણા મહેશ મૈસુરિયાને પકડી પાડી હતી. પૂછપરછમાં પ્રથમ પત્ર અજાણી મહિલા હસ્તક કાર્યાલયે મોકલાવ્યો હતો. બીજો પત્ર પોતે મૂકી આવી હોવાની કબૂલાત પણ કરી હોવાનું જાણવા મળે છે.

મહિલા નવજાત શિશુને માલિશ કરે છે જ્યારે પતિ સ્કૂલવાન ચલાવે છે

મંત્રીને બે નનામી જાસા ચિઠ્ઠી મોકલનાર મહિલાનો પતિ સ્કૂલવાન ચલાવે છે. મહિલા પ્રવિણા નવજાત બાળકોને તેલ માલીશ અને નવડાવવાનું કામ કરે છે. બે સંતાનોની માતા પ્રવિણા પતિની ટૂંકી આવક અને પોતે પણ ખાસ કમાતી ન હોવાથી આર્થિક તંગી અનુભવતી હતી. પ્રવીણા અવારનવાર પાડોશીઓ તથા સંબંધીઓ પાસેથી મદદના બહાને ઉછીના નાણાં પણ માંગતી રહેતી.