ચૂંટણી છતાં આઇપીએલ ભારતમાં જ યોજાશેઃ ૨૩મી માર્ચથી શરૂ

ખેલ-જગત મુખ્ય સમાચાર

દેશભરમાં રાજકારણીથી માંડીને સામાન્ય નાગરિકો લોકસભાની ચૂંટણીનો ઈંતેજાર કરી રહ્યા છે, ત્યારે ચૂંટણીની પ્રતિક્ષા ભારતીય ક્રિકેટ બોર્ડને પણ છે. લોકસભાની ચૂંટણી છતાં બીસીસીઆઇએ જાહેરાત કરી છે કે, અમે આઇપીએલ ભારતમાં જ રમાડીશું. જોકે બોર્ડે હજુ આઇપીએલનો વિસ્તૃત કાર્યક્રમ તૈયાર કર્યો નથી. બોર્ડના સૂત્રો જણાવે છે કે, તેમને ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર થાય તેનો ઈંતેજાર છે. ચૂંટણી કમિશન લોકસભાની ચૂંટણીની તારીખો સાથેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરે તે પછી બીસીસીઆઇ આઇપીએલનો કાર્યક્રમ ગોઠવશે. એક મીડિયા રિપોર્ટમાં બોર્ડના ઓફિસિઅલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આ વખતે ચૂંટણી જુદા-જુદા તબક્કામાં યોજાવાની છે, ત્યારે તેની તારીખો સાથેનો કાર્યક્રમ જાણ્યા વિના આઇપીએલનો કાર્યક્રમ જાહેર કરી શકાય તેમ નથી. સામાન્ય રીતે જે તારીખોએ જ્યાં ચૂંટણી હોય,ત્યાં અમે મેચો નહિં ગોઠવીએ. કારણ કે સિક્યોરીટીથી માંડીને અન્ય મુશ્કેલીઓ થતી હોય છે.